શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ઑક્ટોબર 2019 (12:14 IST)

અમદાવાદની પરિણીતાને વિદેશી સાથે ચાર મહિનાનો પ્રેમ 7.50 લાખ રૂપિયામાં પડ્યો!

અમદાવાદની મહિલાને જુલાઇ મહિનાથી બેન મોરિસ નામના એકાઉન્ટ ધારકે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં આ શખ્સે ભારત આવી છ મહિના સુધી રોકાવાનો હોવાની પણ વાતો કરી હતી. આ દરમિયાન તેને ગિફ્ટ મોકલી હોવાની વાત કરીને મહિલા પાસેથી સાડા સાત લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્રણ શખ્સોએ સાથે મળીને મહિલાને છેતરી હતી. આ મામલે સાઇબર ક્રાઇમમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના ગુરૂકુળ રોડ પરના એક કોમ્પલેક્ષમાં રહેતી 42 વર્ષીય મહિલા કાપડનો ધંધો કરે છે. મહિલાના લગ્ન 2010માં થયા હતા. હાલ તે પોતાના પતિ સાથે રહે છે. 
જોકે, પતિ સાથે મનમેળ ન હોવાથી કોઇ સારૂ પાત્ર મળશે તો લગ્ન કરી લેશે તેવી વાત મહિલાએ તેના પતિને કરી હતી. ચારેક માસ પહેલા મહિલાને ફેસબુક પર બેન મેરિસ નામના આઇડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કર્યા બાદ બેન મેરિસ અને મહિલાએ મોબાઇલ નંબરની આપ લે કરી હતી અને વાતો શરૂ કરી હતી. સામે વાળો શખ્સ ઇંગ્લેન્ડ રહેતો હતો અને પોતે વિધુર હોવાનું કહીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સંબંધ દરમિયાન શખ્સે પોતે ભારત આવવાનો છે અને છ મહિના રોકાવવાનો છે તેમ જણાવ્યું હતું.આ દરમિયાન શખ્સે મહિલાને એક ગિફ્ટ મોકલી હોવાની વાત કરી હતી. 
ગિફ્ટમાં હેન્ડબેગ, લેડિઝવેર, જ્વેલરી, રોલેક્ષ ઘડિયાળ, ડાયમંડ રિંગ, ગોલ્ડ ઇયરિંગ્સ, ગોલ્ડ નેકલેસ, આઇફોન 7S અને ફૂલો મોકલ્યા હોવાનું કહ્યું હતું. દરમિયાન સુમિતા ચૌધરી નામની કસ્ટમ ઓફિસરનો આ મહિલા પર ફોન આવ્યો હતો અને ગિફ્ટ છોડાવવા ચાર્જ ભરવાની વાત કરી હતી. કસ્ટમ ઓફિસરની ઓળખ આપનાર સુમિતા ચૌધરી અને અન્ય શખ્સે બેંક ઓફિસરની ઓળખ આપી બેન મેરિસ સાથે મળીને સાડા સાત લાખ રૂપિયા ગિફ્ટને છોડાવવા માટે મહિલા પાસેથી પડાવ્યા હતા. બાદમાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂનું ખોટું સર્ટિફિકેટ પણ મહિલાને આપ્યું હતું. મહિલાને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થયા બાદ તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.