કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થયા હતા લગ્ન
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જજીસ બંગલો રોડ પર સ્થિત NRI ટાવરમાં મોડી રાતે બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. NRI ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે. માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો હતો. આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો.
મળતી માહિતી મુજબ ભાવનગરના રહેવાસી યશરાજ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ છેલ્લા બે મહિના પહેલા લગ્ન બંધનમાં બંધાયા હતા અને બંને NRI ટાવરમાં રહેતા હતા. ગત રાતે કોઈ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. જે ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બોલાચાલી વધી જતા યશરાજે હથિયાર વડે રાજેશ્વરી પર ગોળીબાર કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને જમીન પર ઢળી પડી હતી. ત્યારબાદ 108ને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થયા હતા. ઘટનાસ્થળે ઝોન-1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને વસ્ત્રાપુર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.