શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (13:54 IST)

યુવતીએ પ્રેમલગ્ન કરતાં પરિવારજનોએ કરાવ્યું અપહરણ, સમગ્ર ઘટના CCTV માં કેદ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસર પાસે બપોરના સમયે કારમાં આવેલા કેટલાક શખ્સોએ યુવતિને મંદીરમાંથી ઉપાડી જઇ અપહરણ કરી લીધું હતું. યુવતિના અપહરણ દરમિયાન રાહદારીઓ મુકબધિર બની સમગ્ર ઘટના નિહાળી રહ્યા હતા પરંતુ કોઇએ પણ યુવતિને બચાવવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો ન હતો. જોકે ઘટના અંગેની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવની હકીકત જાણી હતી.
 
આ અંગે એક યુવક દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અપહરણ અને મારામારી અંગેની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સોલામાં રહેતા 28 વર્ષીય યુવકને પોતાના જ ફ્લેટમાં રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો ત્યારબાદ બંનેએ પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા પરંતુ યુવતિના પરિવારથી સંતાઇ રહેતા હતા. લગ્ન બાદ બંને રાજકોટ જતા રહ્યા હતા. આ દરમિયાન યુવતિના પરિવારના લોકોએ ફોન કરીને બંનેને સમાધાન માટે બોલાવ્યા હતા.
 
ત્યારબાદ યુવક અને યુવતી રાજકોટથી આવીને અમદાવાદના મણિનગર ખાતે એક મકાનમાં રોકાયા હતા. યુવતીના પરિવારના લોકો સાથે વાતચીત બાદ નવરંગપુરા ખાતે આવેલા એક જૈન દેરાસરમાં બંને પક્ષ વચ્ચે બેઠક નક્કી થઈ હતી. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન બે ત્રણ શખ્સો આવી ચડ્યા હતા અને યુવતિનું અપહરણ કર્યું હતું અને યુવકને માર માર્યો હતો. જોકે આ આંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં યુવકએ યુવતિના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે નવરંગપુરા પોલીસે પણ સીસીટીવી આધારે મારામારી કરતા અને યુવતીને ઉઠાવી લઈ જતા શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.