શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (16:32 IST)

અમદાવાદમાં નવગુજરાત કોલેજમાં ફાઉન્ડેશન કોર્ષની ફી માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા, એક વર્ગમાં 50થી વધુ વિદ્યાર્થીઓ માસ્ક વિના જ ટોળે વળ્યા

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. રાજ્ય સરકારે પણ કોરોના બેકાબુ થતાં આઠ મહાનગરોમાં શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદની નવગુજરાત કોલેજમાં ફાઉન્ડેશન કોર્ષની ફી ઉઘરાવવા માટે વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં આવતાં હતાં. એક વર્ગમાં વિદ્યાર્થીઓ ટોળુ વળીને બેઠેલા નજરે પડ્યાં હતાં. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ તો માસ્ક પણ નહોતું પહેર્યું. કોલેજના વોલન્ટિયર્સને આ મામલે પૂછતાં તેઓ ઉશ્કેરાઈ ગયાં અને સરકાર પર ગંભીર આક્ષેપો કરવા લાગ્યા હતાં. તે ઉપરાંત વિદ્યાર્થીઓને કોરોનાના નિયમોનું પાલન કરાવવાની જગ્યાએ ઉશ્કેરી રહ્યાં હતાં. કોલેજમાં ફી ઉઘરાવવા માટે રાખવામાં આવેલા  વોલન્ટિયર્સના ક્લાર્કે કહ્યુ હતું કે રાજનીતિનો સમય હોય તો કોરોના કોઈને નડતો નથી અને અમે ભેગા થઈએ તો કોરોના ફેલાય છે. આ નિવેદન બાદ વિદ્યાર્થીઓમાં પણ સરકારની નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.જો આવી જ બેદરકારી જો શહેરમાં થતી રહેશે તો કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકી શકાશે. આ મામલે કોલેજ મેનેજમેન્ટના પ્રવક્તા કલ્પનાબેન રાજપૂતે જણાવ્યું હતું કે અમે સરકારના નિયમોનું પાલન કરીએ છીએ. પરંતુ અમારી સંસ્થામાં સરકારી સ્ટાફની અછત છે જેથી અમે બહારથી વોલન્ટિયર બોલાવીએ છીએ. આજે જે સ્થિતિ સર્જાઈ એની ભુલ અમે સ્વીકારીએ છીએ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ કે ફી ભરતાં આવડતું નથી અમને તેમના ભવિષ્યની ચિંતા છે. માટે જ તેમને કોલેજમાં બેચ પ્રમાણે બોલાવીએ છીએ. વિદ્યાર્થીઓ તેમના મિત્રોને લઈને આવીને ભીડ કરે છે. સિક્યુરિટીને પણ ગાંઠતા નથી. અમે અમારા તરફથી નિયમોનું પાલન કરાવવાનો પૂરતો પ્રયાસ કરીએ છીએ.