સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (12:10 IST)

કેન્દ્ર સરકારે ગુજરાતને અછત અને અતિવૃષ્ટિમાં એક પણ રૂપિયાની સહાય કરી નથી

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને અછતમાં અને અતિવૃષ્ટિમાં એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. વિધાનસભાની પ્રશ્ર્નાવલીમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતુ કે, અછત માટે વર્ષ 2018માં પત્ર લખી 1725.25 કરોડ જ્યારે વર્ષ 2019માં વિવિધ પત્રો દ્વારા કુલ 3370.31 કરોડ રૂપિયાની માંગણી રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ કરી હતી. આ જ રીતે અતિવૃષ્ટિમાં વર્ષ 2020માં 7239.47 કરોડની માંગણી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં અછતમાં NDRFની હાઈલેવલ કમિટીની બેઠકમાં 127.60 કરોડની રકમ ઇન્ડિયા રેફમાંથી કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યની NDRFની જમા રકમ 2355.12 કરોડમાંથી 50 ટકા 1177.56 કરોડ થાય છે. હાઈલેવલ કમિટી મંજુર કરવામાં આવી રકમ 127.60 કરોડ, 50 ટકા રકમ કરતા ઓછી થતી હોવાથી રાજ્ય સરકારને ખરેખર મળવાપાત્ર રકમ શૂન્ય હોવાનો પત્ર કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લખ્યો હતો. અછત માટે SDRFના નિયમ મુજબ રકમ મળવા પાત્ર નહિ હોવાનો કેન્દ્રએ જવાબ આપ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અતિવૃષ્ટિ માટેની માંગ માટેના પત્રનો એક વર્ષ બાદ પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.છેલ્લા પોણા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ-એસડીઆરએફમાંથી કુલ રૂ. 5996.37 કરોડનો ખર્ચ કુદરતી આફતો પાછળ કર્યો હોવાનું વિધાનસભામાં મંગળવારે રાજ્ય સરકારે જણાવ્યું હતું. વર્ષ 2018-19માં રૂ. 1368.93 કરોડ, 2019-20માં રૂ. 2435.16 કરોડ અને 2020-21માં 31 ડિસેમ્બર સુધી રૂ. 2192.28 કરોડ ખર્ચાયા હોવાનું સરકારે જણાવ્યું હતું. SDRF માટે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ રાજ્યોને કેન્દ્રીય બજેટમાંથી આપત્તિ સામે લડવા ફંડ અપાય છે અને એ રીતે 2018-19માં રૂ. 449.95 કરોડ, 2019-20માં રૂ. 886.80 કરોડ અને 2020-21માં રૂ. 1324 કરોડ ફાળવાયા હતા. હવે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ SDRFમાં રૂ. 93.94 કરોડ વણવપરાયેલા જમા છે.