સંબંધિત સમાચાર
- પપ્પા હુ ફ્લાઈટમાં બેસી ગયો - અંતિમ મેસેજ આજે પણ સંભળાય છે... અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી, પરિવારના આંસુ થમતા જ નથી
- અમદાવાદ પ્લેન ક્રેશ વળતર - ઓફર પર ભડકી વિજય રૂપાણીની પુત્રી, ટાટા સંસનાં ચેયરમેનને સંભળાવી બે ટૂંક
- શું તમે ધોરણ 9 પાસ છો? અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જોડાવાનો સોનેરી મોકો, મહિલા-પુરુષ બંને કરી શકશે અરજી
- અમદાવાદ ફ્લાઇટ ક્રેશની વરસી: ટાટાની નોકરી છૂટી, હેલ્પલાઇન બંધ; PMO પાસે ન્યાય માંગતા પરિવારો
- ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ આઉટ: ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર
ઈસનપુર આંબા તળાવમાં તંત્રની મોટી કાર્યવાહી: ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન
Ahmedabad Isanpur Amba Talav demolition
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર ખાતે ગેરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો મેળવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આ કામગીરીના ભાગરૂપે દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડમાં આવેલી મોની હોટેલની ગલી પાસેના શાક માર્કેટ નજીક, આંબા તળાવની જગ્યા ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.
આંબા તળાવની 26,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે 12 જૂનની સવારથી જ પાંચથી વધુ જેસીબી (JCB) અને હિટાચી મશીનો સાથે આ ડિમોલિશનની શરૂઆત કરી દેવામાં આવી છે. વર્ષોથી થયેલા આ ગેરકાયદેસર દબાણોને હટાવીને તંત્ર દ્વારા આશરે 26,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીનને ખુલ્લી કરાવવાનું આયોજન છે. આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઈસનપુર અને નારોલ પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્તની મદદ લેવામાં આવી છે.
160 થી વધુ કાચા-પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફર્યા
આંબા તળાવની જગ્યામાં વર્ષોથી લોકો ગેરકાયદેસર મકાનો બનાવીને વસવાટ કરી રહ્યા હતા. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં કુલ 160 થી વધારે નાના-મોટા ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ગયા હતા, જેમાંથી 147 જેટલા કાચા-પાકા રહેણાંક મકાનો અને 14 જેટલા કોમર્શિયલ (વ્યાપારી) બાંધકામો સામેલ છે. આ તમામ મકાનો અને દુકાનોને તોડી પાડતા પહેલાં કોર્પોરેશન દ્વારા તમામ રહેવાસીઓને નોટિસ આપીને સમયસર જગ્યા ખાલી કરી દેવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી.
અસરગ્રસ્ત નાગરિકો માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા
જે નાગરિકો આ જગ્યા પર વર્ષોથી વસવાટ કરી રહ્યા છે, તેમના પુનર્વસન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે લોકો પાસે ત્યાં રહેતા હોવાના કાયદેસરના પુરાવા ઉપલબ્ધ હશે, તેમની પાસેથી ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરકારી મકાનો ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત, તાત્કાલિક આશરાની જરૂરિયાતવાળા લોકો માટે કોર્પોરેશન દ્વારા નજીકના રેન બસેરા (આશ્રયગૃહ) માં રહેવાની વૈકલ્પિક સુવિધા પણ ઊભી કરાઈ છે.
તળાવોને ઊંડા કરવાની યોજના અને વહીવટી તંત્રની નજર
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી તળાવોની કિંમતી જમીનો પર થતા દબાણો દૂર કરીને આ જળાશયોને ઊંડા કરવાની તંત્રની મુખ્ય નેમ છે, જેથી ચોમાસામાં પાણીનો યોગ્ય સંગ્રહ થઈ શકે. આ ડિમોલિશન સ્થળ પર કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમ અને ફાયર બ્રિગેડના સ્ટાફને પણ તહેનાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચાડવાના આયોજન માટે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ ડૉ. અજય કુમાર સહિત નર્મદા નિગમ તેમજ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ વહીવટી સંકલન પર નજર રાખી રહ્યા છે.
