ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 જૂન 2021 (15:13 IST)

અમદાવાદમાં હાથી, ટ્રક,અખાડા, ભજનમંડળી સાથે ભગવાન જગન્નાથની નગરચર્યા માટે પોલીસ કમિશ્નરની મંજૂરી માંગવામાં આવી

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આગામી 13 જુલાઈના રોજ યોજાશે કે કેમ તેના અનેક તર્કવિતર્ક વચ્ચે આજે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ નીકળે તેની મંજુરી માંગવામાં આવી છે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં પણ 50 લોકો જ હાજર રહેશે તે માટે પણ મંજૂરી માગવામાં આવી છે. રથયાત્રા કાઢવાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે પોલીસ કમિશનરને દર વર્ષની જેમ આ વખતે પણ હાથી, ટ્રક, અખાડા, ભજનમંડળીઓ સાથે ભગવાનની રથયાત્રા કાઢવા મંજૂરી માટે અરજી કરવામાં આવી છે. અરજી બાદ મીટીંગ કરવામાં આવશે અને તેઓ નક્કી કરે તે મુજબ રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા પહેલા જળયાત્રામાં 50 લોકો જ હાજર રહેશે તેની મંજૂરી માગી છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે તમામ વિધિ પૂર્ણ કરાશે.ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. એ દિવસ પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું હતું. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે