શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 29 એપ્રિલ 2021 (07:42 IST)

કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ કેસ અને મોત અમદાવાદમાં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 14,120 કેસ નોંધાયા છે, જ્યારે 174 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન રાજ્યમાં બુધવારે 8595 દરદીઓ કોરોનાથી સાજા પણ થયા છે. ગુજરાતમાં આજે સૌથી વધારે અમદાવાદમાં 5740 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2116, વડોદરામાં 838, જામનગરમાં 721 અને રાજકોટમાં 434 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 491 કેસ નોંધાયા છે.
 
ગુજરાતમાં આજે સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયાં છે. અમદાવાદમાં 26 દરદીનાં મૃત્યુ થયાં છે. 
 
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 5,38,845એ પહોંચી છે. જ્યારે હાલ સુધીમાં 368824 દરદીઓ સાજા થયા છે. જ્યારે 6830 દરદીના મૃત્યુ થયાં છે.
 
આ દરમિયાન અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન( એએમસી)ની હદમાં આવતી તમામ સરકારી અને કૉર્પોરેશને ડેઝિગનેટ કરેલી હૉસ્પિટલોમાં 108 સેવા મારફતે જ કોવિડ દરદીઓને દાખલ કરવામાં આવતા હતા તેના સ્થાને દરદી કોઈ પણ વાહન દ્વારા પહોંચશે તો તેને દાખલ કરવામાં આવશે.
 
તારીખ 29 એપ્રિલ, 2021ના સવારે 8 વાગ્યાથી કોઈ પણ દરદી ખાનગી વાહનમાં પણ કોવિડ હૉસ્પિટલ પહોંચી શકશે.
 
અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી તમામ ખાનગી હૉસ્પિટલમાં ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ સારવાર માટે પૂરા પાડવાના રહેશે.
 
આમ ગત 50 ટકામાં બીજા 25 ટકા બેડનો વધારો કર્યો છે. કૉર્પોરેશને અંદાજ આંક્યો છે કે તેને એક હજાર વધારે બેડ ઉપલબ્ધ થશે.
 
પહેલાં કોરોના વાઇરસના દરદીઓને દાખલ કરવા માટે આધાર કાર્ડની જરૂર હતી, હવે નિર્ણય કરાયો છે કે અમદાવાદના આધાર કાર્ડની જરૂરિયાત નહીં પડે.
 
કોરોના વાઇરસની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ક્વોટામાં 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત હતી તે હઠાવી દેવાઈ છે.
 
કોરોના વાઇરસથી સારવાર કરતી તમામ હૉસ્પિટલોએ રાજ્ય સરકારના પોર્ટલ પર જોડાઈને ખાલી બેડની રિયલ ટાઇમ માહિતી લોકોને આપવાની રહેશે. અહીં નોંધવું રહ્યું કે તે પોર્ટલની માહિતી અપાઈ નથી.