શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2020 (16:56 IST)

કેમ્પસ ખુલશે તો પણ અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમનો ઓનલાઇન અભ્યાસ ચાલું રાખી શકશે

યુનિવર્સિટીનું કેમ્પસ વહેલું ખુલી જાય તો પણ અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ડિસેમ્બર, 2020 સુધી ઓનલાઇન ક્લાસિસનો વિકલ્પ અપનાવી શકશે. સમગ્ર દેશનાં કેમ્પસ ફરીથી ક્યારે ખુલશે તે અંગેની અનિશ્ચિતતાઓ હોવાથી અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રા દ્વારા આ નોંધપાત્ર નીતિની જાહેરાત કરવામાં આવી હતી. 
 
નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી કરવા માટે યુનિવર્સિટી દ્વારા આકરી યોજનાઓ અને સંચાલનની પ્રક્રિયાઓ અમલી બનાવવામાં આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોનસૂન સેમીસ્ટર દરમિયાન કેમ્પસમાં પહોંચવાની તારીખ અનિશ્ચિત છે અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કેમ્પસમાં આવવાનું ત્યારે જ કહેશે જ્યારે તેમના માટે આમ કરવું સલામત હશે.
 
ગુજરાત અને દેશના અન્ય શહેરોમાંથી આવતાં વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વાઇસ ચાન્સેલર પંકજ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ‘કેમ્પસ ફરીથી ખુલી ગયાં પછી પણ જો કોઇપણ વિદ્યાર્થીને કેમ્પસમાં આવવા માટે મુશ્કેલી અનુભવાય તો જ્યાં સુધી તેઓ કેમ્પસમાં આવવા માટે સંપૂર્ણપણે તૈયાર હોવાનું ન અનુભવે ત્યાં સુધી અમે તેમને ઓનલાઇન ભણવાની સુવિધા પૂરી પાડીશું. આ વર્ષે યુનિવર્સિટીમાં પ્રવેશનારા વિદ્યાર્થીઓ અભૂતપૂર્વ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં હોવાથી અને તેના માટે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ હોવાથી અમે આ પગલું લીધું છે.’
 
અમદાવાદ યુનિવર્સિટી ઑગસ્ટ મહિનાથી તેનું મોનસૂન સેમીસ્ટર શરૂ કરશે અને પરિસ્થિતિ જ્યારે પણ થાળે પડે ત્યારે કેમ્પસને કેવી રીતે ખોલવું તે અંગે તેમણે વિગતવાર યોજના ઘડી કાઢી છે. જોકે, તમામ વિદ્યાર્થીઓ પાસે કેમ્પસમાં આવીને ભણવું કે ઓનલાઇન ભણવાનું ચાલું રાખવું તેનો વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા હશે. તેની મદદથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષને સમયસર શરૂ કરી શકશે અને જો જરૂર જણાય તો પોતાના ઘરે સલામત રહીને ભણવાનું ચાલું રાખી શકશે. અમદાવાદ યુનિવર્સિટી ભારતની એવી યુનિવર્સિટીઓ પૈકીની એક છે, જેમણે વિદ્યાર્થીઓનું વર્ષ બગાડ્યાં વગર ગત શૈક્ષણિક વર્ષની પરીક્ષાઓ સમયસર પૂરી કરી લીધી હતી.
 
પ્રોફેસર પંકજ ચંદ્રાએ આગળ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને કેમ્પસમાં લાવવા માટે પરિસ્થિતિ ક્યારે સલામત થાય છે તેની પર અમે નજર રાખીશું. સૌ કોઈ સલામત છે તેની ખાતરી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમે કોઇપણ વિદ્યાર્થીને કેમ્પસમાં બોલાવવાના નથી. રોગચાળાની સ્થિતિ સુધરતાં અમે જ્યારે પણ વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવીશું ત્યારે સલામતી પરના ખૂબ જ કડક પ્રોટોકોલની સાથે વિદ્યાર્થીઓ મર્યાદિત સંખ્યામાં આવે તેની ખાતરી કરીશું. અમે સેનિટાઇઝિંગ અને ફીઝિકલ ડિસ્ટન્સિંગના આકરાં પગલાં લઈ રહ્યાં છીએ, જેથી જ્યારે પણ કેમ્પસ ખુલે ત્યારે પરિસ્થિતિ અમારા નિયંત્રણ રહે.’