ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (15:09 IST)

નવરાત્રીને વરસાદનું ગ્રહણ: અમદાવાદના બે જાણિતી ક્લબે કેન્સલ કર્યા ગરબા

વરસાદની અસર હવે નવરાત્રીમાં પણ દેખાવા લાગી છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે હાલની સ્થતિને ધ્યાનમાં લઈ પહેલા બે દિવસના ગરબા રદ્દ કરી દીધા છે. વડોદરામાં પણ કેટલીક જગ્યાએ ગરબા રદ્દ થયાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કારેલીબાગના અંબાલાલ પાર્કના ગરબા પહેલા નોરતાના ગરબા રદ્દ કરાયા છે.કેટલાક ગરબા આયોજકોએ એડવાન્સ બુકિંગને બદલે જે-તે દિવસે ગરબા શરુ થાય પછી જ પાસ વેચવાનું નક્કી કર્યું છે.

અમદાવાદમાં હાલ પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, ત્યારે એડવાન્સ બુકિંગનું જોખમ લેવા માગતા નથી. આમ પણ હવામાન ખાતાએ પહેલા ત્રણ નોરતા સુધી વરસાદ પડશે તેવી આગાહી કરી છે, ત્યારે આટલો સમય નીકળી ગયા બાદ જ ગરબા આયોજકો આગળની સ્ટ્રેટેજી નક્કી કરશે નવરાત્રીને આ વખતે ટ્રાફિકના નવા અને કડક નિયમો અને વરસાદનું બેવડું ગ્રહણ લાગ્યું છે. પાર્કિંગ તેમજ અન્ય નિયમોને કારણે ઘણા ગરબા આયોજકોને પરમિશન મળી જ નથી, ક્લબો પણ માત્ર મેમ્બર્સ પૂરતા ગરબા રાખી રહ્યા છે ત્યારે વરસાદે રહી-સહી કસર પણ પૂરી કરી દેતાં ગરબા આયોજકોને આ વખતે મોટું નુક્સાન વેઠવાનું આવે તેવી શક્યતા છે  આમ તો શરુઆતના બે-ત્રણ દિવસ બાદ જ નવરાત્રીની ખરી જમાવટ થતી હોય છે. જોકે, ત્રીજા નોતરે પણ જો વધારે વરસાદ થાય ને ગ્રાઉન્ડ પર પાણી ભરાયેલા રહે તો તેના પછીના બે દિવસ પણ સ્થિતિ કફોડી બની શકે તેમ છે. આ વખતે રેઈનકોટ ચણિયાચોરી ખાસ્સી ચર્ચામાં આવી હતી, પરંતુ વરસાદના તેવર જોતાં તે કશાય કામમાં નહીં આવે તેવું લાગી રહ્યું છે.