1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (14:05 IST)

ચેતી જજો અમદાવાદીઓ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં થયો 60 ટકાનો વધારો

દેશભરમાં કોરોના કહેર યથાવત છે. કોરોના ગયો નથી. માત્ર સંક્રમણ ઘટ્યું છે. આપણે અગાઉ ડેલ્ટા અને મ્યુકોરમાઇકોઇસિસ જેવા કેસ જોયા છે. ત્યારબાદ હવે એક નવો વેરિએન્ટ ઓમિક્રોન આવી ગયો છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોના કેસ વધવા લાગ્યા છે. તેમછતાં બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે .લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 
 
જેના પરિણામ સ્વરૂપે એક જ દિવસમાં કોરોના કેસાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં 152 દિવસ બાદ કોરોનાના નવા કેસ 60ના આંકડાને પાર થયા છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 61 નવા કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 39 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,82,740 ડોઝ આપવામાં આવ્યા હતા. 
 
સોમવારે કોરોનાના 38 કેસ નોંધાયા હતાં. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ કેસમાં અમદાવાદ ફરી ‘એપી સેન્ટર’ પુરવાર થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં 25-ગ્રામ્યમાં 1 સાથે 26 નવા કેસ સામે આવ્યાં હતાં.
 
હાલ રાજ્યમાં કુલ 372 એક્ટિવ કેસ છે. જે પૈકી 09 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,339 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 4, જામનગર કોર્પોરેશન 3, ખેડા-નવસારીમાં 2-2 કેસ નોંધાયા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 61 કેસ નોંધાયા છે.
 
20 જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 370ને પાર થયો છે. 30 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના 275 એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા 7 દિવસમાં જ રાજ્યમાં એક્ટિવ કેસના પ્રમાણમાં 35 ટકાનો વધારો નોંધાયો છે.