સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જુલાઈ 2019 (15:42 IST)

વિધાનસભા સંકુલમાં અલ્પેશ 20 કરોડમાં વેચાયો જેવા કોંગ્રેસના સુત્રોચ્ચાર

Alpesh Thakor
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મત ગણતરી પહેલા જ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યપદેથી રાજીનામું સોંપી દીધું હતું. અલ્પેશ ઠાકોરના આ વલણથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના સમર્થકોએ અલ્પેશ ઠાકોરની વિરૂદ્ધમાં સુત્રોચ્ચારો પોકાર્યા હતા કે, અલ્પેશ ઠાકોર 20 કરોડોમાં વેચાયો છે. આ સુત્રોચ્ચારોથી અલ્પેશ ઠાકોર અને તેના સાથી ભાજપના ધારાસભ્યોમાં સોંપો પડી ગયો હતો.
અલ્પેશ ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી મારી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. કોંગ્રેસ મને ખોટી રીતે બદનામ કરતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે, આજની રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં મેં મારા અંતર આત્માના અવાજથી દેશના નેતૃત્વને મારો મત આપ્યો છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હું માનસિક ત્રાસથી મુક્ત થયો છું અને આવનાર દિવસોમાં મારા સમાજ તેમજ ગરીબ વંચિતોના લાભ માટે યોગ્ય નિર્ણય કરીશ અને પ્રજા માટે કામ કરીશ.
જ્યારે અલ્પેશ ઠાકોરની સાથે તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'પ્રજાનું કામ કરવાની અને પ્રજા સાથે કામ કરવાની તમન્ના હતી. પરંતુ આવું ન થતાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.'