મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2023 (20:48 IST)

હાઈકોર્ટની ઝાટકણી બાદ AMCએ ઢોર અંકુશ પોલિસીને મંજૂરી આપી, પશુ માલિકોએ પરમીટ લેવી પડશે

stray cattle
પશુ દીઠ રૂ.200 રજિસ્ટ્રેશન ફી અને લાઇસન્સની વેલિડિટી 3 વર્ષ રખાઈ પશુમાલિકો પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાયસન્સ લેવાનું રહેશે
 
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે 11 જુલાઈના રોજ અમદાવાદના બિસ્માર રસ્તા અને રખડતાં ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ઢોર અંકુશ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ આ પોલિસીને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે હવે સુધારા વધારા સાથે મંજૂરી આપવામાં આવી છે.
 
નવી પોલિસીમાં કડક કાયદાઓ અંગે જોગવાઈ
રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધા બાદ અમદાવાદ કોર્પોરેશન ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. રખડતાં ઢોર મામલે અમદાવાદ કોર્પોરેશન નવી પોલિસી અમલમાં લાવી છે. નવી પોલિસીમાં કડક કાયદાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે. પશુમાલિકે વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેમણે પરમીટ લેવાની રહેશે. પશુમાલિકો પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાયસન્સ લેવાનું રહેશે. પરમીટ-લાયસન્સનો સમયગાળો પોલિસી અમલમાં આવેથી ત્રણ વર્ષ માટેનો રહેશે.
 
એક જ ઢોર ત્રણ વખત પકડાય તો બમણો દંડ 
ત્રણ વર્ષ માટેના લાયસન્સની ફી 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પરમીટની ફી રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુમાલિકની જ રહેશે. રખડતા પશુને કારણે નુકસાન થાય તો નુકસાની દાવાની કાર્યવાહી કરી શકાશે. પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી દેવી પડશે. જો એક જ ઢોર ત્રણ વખત પકડાય તો બમણો દંડ ફટકારવામાં આવશે. જો ઢોર ત્રણ વખતથી વધુ વખત પકડાશે તો ઢોર પાછું નહીં મળે.