શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 ઑગસ્ટ 2019 (14:16 IST)

સરકાર-સંગઠન-પેટાચૂંટણીઓ અંગે ગુજરાત ભાજપ મોવડીઓ સાથે અમિત શાહની ગુફતેગુ

ગુજરાતની 36 કલાકની ટુંકી મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગુજરાત ભાજપના મેન્ટર અમિત શાહે ગઈકાલે ગાંધીનગરમાં તેમના સતાવાર સરકારી કાર્યક્રમની સાથોસાથ રાજયની રાજકીય તથા વહીવટી પરિસ્થિતિની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે સમીક્ષા કરી હતી.
શ્રી શાહ ગઈકાલે સરકીટ હાઉસ ખાતે થોડો સમય રોકાયા હતા અને તે દરમ્યાન રાજયમાં વહીવટી બદલીઓ અંગે માર્ગદર્શન આપ્યુ હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ ગુજરાતમાં સાત ધારાસભા બેઠકોની પેટાચૂંટણીઓ ઓકટોબરમાં આવી રહી છે અને તેના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી. જો કે  શાહે હાલમાં જ ભાજપમાં ભળેલા અલ્પેશ ઠાકોરને મુલાકાત આપી ન હતી. અલ્પેશ ઠાકોરને ગુજરાતના મંત્રીમંડળમાં સમાવવાની લાંબા સમયથી ચર્ચા છે પરંતુ તેઓ ધારાસભા ચૂંટણી લડીને પછી મંત્રી બનશે તેવુ માનવામાં આવે છે. હાલ તો અમીતભાઈએ તમામ સાત બેઠકો માટે જવાબદારી સોંપવાની ચર્ચા કરી હતી અને આ માટે પ્રદેશ પ્રમુખને માર્ગદર્શન આપ્યુ હતું તો બીજી તરફ રાજયમાં સંગઠન કામગીરી હેઠળ પ્રાથમીક સભ્યપદની કામગીરી પૂર્ણ થઈ છે અને સક્રીય સભ્યપદની નોંધણી શરુ થઈ છે જે આવતીકાલે પુરી થશે. શ્રી અમીત શાહે તે અંગે પણ માહિતી મેળવી હતી તથા બાદમાં પક્ષમાં બુથ ઈન્ચાર્જ અને વોર્ડ પ્રમુખ તથા ગ્રામીણ કક્ષાથી લઈને જીલ્લા કક્ષા સુધીની સંગઠનની રચના અંગે પણ પક્ષના અગ્રણીઓને માર્ગદર્શન આપ્યુ હતું. ઉપરાંત તેઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે રાજયમાં સુરક્ષાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી બાદ જે પરિસ્થિતિ ઉભી થઈ છે અને ગુજરાતમાં આતંકી હુમલાની શકયતા સામે હાઈ એલર્ટ જાહેર કરાયુ છે તે જોતા શ્રી શાહે રાજયમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેની સૂચનાઓ પણ આપી હતી.