સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (13:06 IST)

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઃ ચાર ધારાસભ્યોએ શપથ લીધા

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઇને આવેલા ભાજપના ચાર નવા ધારાસભ્યોએ આજે શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતાં. પરસોતમ સાબરિયા, આશાબેન પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલે વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં શપથ લીધા હતા. શપથવિધિમાં પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતમાં લોકસભાની બેઠકની સાથે સાથે ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠક પર ક્રમશ: પરસોતમ સાબરિયા, આશાબેન પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા હતા.
આ ચારેય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે બાદમાં ધ્રાંગધ્રા, માણાવદર અને ઊંઝા બેઠક પર ભાજપે પક્ષપલટું ઉમેદવારને જ ટિકિટ આપી હતી. જેમાં તમામ ત્રણેય ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે જામનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું હતું. આ બેઠક પર ભાજપે રાઘવજી પટેલને ટિકિટ આપી હતી, તેઓ પણ ચૂંટણી જીત્યા છે.
જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર હતી. ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી દિનેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા. માણાવદરમાં કોંગ્રેસે આ બેઠક પર જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા. ઊંઝા બેઠક પર ભાજપે આશાબેન પટેલને મેદાને ઉતાર્યાં હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં.