શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (11:31 IST)

ડાકોર મંદિરમાં પૂજા મામલે વિવાદ, પૂર્વ સેવકની બે પુત્રીઓએ મંદિરમાં સેવા માટે પ્રવેશની માંગ કરતા ઉભો થયો વિવાદ

વિશ્વવિખ્યાત યાત્રાધામ ડાકોર મંદિરમાં પૂજા મામલે વિવાદ સર્જાયો છે.  ઉલ્લેખનીય છે કે ડાકોરમાં પૂજા માટે પૂર્વ સેવકની બે પુત્રીઓ સેવા કરવા જતા મંદિરમાં મોટો વિવાદ સર્જાયો. આ મહિલાઓ પોતાના વંશની પરંપરાને મુજબ મંદિરમાં ભગવાનની સેવાની માંગ કરી રહી છે, પરંતુ તેમને પ્રવેશ ન આપતા મહિલાઓએ સુરક્ષાની માંગ કરી છે. 
 
ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બન્ને બહેનોએ આવતીકાલે કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવું જાહેર કરી, પોતાના પર હુમલાની આશંકા વ્યક્ત કરી પોલીસ રક્ષણની માગ કરી છે. દરમિયાન મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે. આમ ભગવાન રણછોડરાયની સેવા પૂજા મામલે મંદિર ટ્રસ્ટ અને વારાદારી બહેનો વચ્ચેનો વિવાદ આગળ વધ્યો છે.
 
ઈન્દિરાબેન પંડ્યાએ જણાવ્યું છેકે ડાકોર મંદિરમાં 1978 પહેલાં અમારા પિતા કૃષ્ણલાલ સેવક વંશ પરંપરાગત વારાદારી તરીકે પૂજા કરતા હતા. તેઓને સંતાનમાં અમે બે પુત્રી જ છીએ. 1978માં તેઓના અવસાન બાદ તેમના પરિવાર માંથી કોણ ભગવાનની સેવા પૂજા કરે તે બાબતે વિવાદ ઉભો થયો હતો, સેવાપૂજાના અધિકારની માગણી કરનાર બન્ને બહેનોનો દાવો છે કે 2018માં આ કેસમાં કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેથી વારા મુજબ હવે તેઓ રણછોડરાયની સેવાપૂજા કરી શકે છે. બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી દેવાઈ છેકે જો તેમની પાસે કોર્ટનો આદેશ હોય કે ‘તેઓ ભગવાન સન્મુખ જઈ સેવા પૂજા કરી શકે છે’ તો જ તેઓને પરવાનગી આપવામાં આવશે
 
નોટિસ આપી મહિલાઓનું અપમાન કરાયું
 
મંદિરે મારી માતાને નોટિસ આપી છે કે એક મહિલા તરીકે તમે હિંડોળા ન ઝુલાવી શકો. મારા દાદા મંદિરના સેવક હતા, તેઓને સંતાનમાં કોઇ દિકરો ન હોઇ મારી માતાનો હક્ક બને છે, સેવાનો. મંદિરે નોટિસમાં એવુ લખ્યું છે કે તમે મહિલા થઇને હિંડોળા ઝુલાવ્યા તે અયોગ્ય છે. ખરેખર આ એક મહિલાનું અપમાન છે -  ઇન્દીરાબેનનો પુત્ર
 
અગાઉ પણ થયો હતો વિવાદ 
 
અગાઉ મે મહિનામાં 7 જેટલી બહેનો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી હતી. જે બાદ ફરી આવી ઘટના બની છે. અમે સમગ્ર મામલે ઈન્દીરાબેનને ફરી આવુ ન થાય તેનું ધ્યાન રાખવા નોટિસ આપી છે અને પોલીસને પણ પત્ર લખી ફરી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા જણાવ્યું છે. -  રવિન્દ્રભાઇ, સેવક, ડાકોર મંદિર ટ્રસ્ટ