District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી
ગુજરાત હાઇકોર્ટ તથા રાજ્યનાં વિવિધ શહેરોની લોઅર કોર્ટને RDX થી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આતંકી સંગઠન લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમના (LTTE ) પૂર્વ સભ્યો અને કાશ્મીર ISKP ના સભ્યોએ સાથે મળીને આ ધમકી આપી હોવાના અહેવાલો છે. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે.
અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બની ધમકી મળતા જ કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી હતી. ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ ધમકી મળી હતી. હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ કોર્ટ સંકુલમાં પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તેવી જ રીતે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અનામી ફોન દ્વારા ધમકી મળતા વકીલો અને અરજદારો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે.
આ ઘટનાક્રમ વચ્ચે રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કોર્ટના સિક્યોરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ દ્વારા યુનિવર્સિટી પોલીસ તેમજ બૉમ્બ- સ્ક્વોડ, ડોગ-સ્ક્વોડ અને SOGને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
બોમ્બની ધમકી બાદ કોર્ટના તમામ કેસ અને કામગીરી હાલ જે સ્ટેજ પર છે તેને સ્થગિત રાખવામાં આવી છે. સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પી.ડી.જે. આર.એ.ત્રિવેદીના આદેશથી આગામી હુકમ સુધી વકીલો અને તેમના પક્ષકારોને કોર્ટ પરિસરમાં ના આવવા માટે સૂચના આપવામાં આવી છે.
સુરત કોર્ટના એક વકીલે જણાવ્યું હતુ કે, મોડી રાત્રે RDXથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. સવારે સ્ટાફે મેઇલ ચેક કરતા જજ સાહેબને આ ઘટનાની જાણ કરી હતી અને પોલીસને બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જજ સાહેબના આદેશ સુધી કામકાજ બંધ રહેશે.
મહત્ત્વપૂર્ણ છે કે 5 જાન્યુઆરીએ અમદાવાદની ગ્રામ્ય કોર્ટ (ઇન્કમટેક્સ)ને પણ ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. અવાર નવાર ગુજરાતમાં અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઇ ગઇ છે.