1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (16:21 IST)

મહાત્મા ગાંધી જયંતીથી રાજ્યભરમાં નશાબંધી સપ્તાહ ઉજવાશે

હાલ દેશમાં “આઝાદી કા અમૃત" મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આઝાદીમાં નશાબંધી ક્ષેત્રે ગુજરાતે પથદર્શક ભૂમિકા ભજવી છે. રાજ્યના વિકાસમાં અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં દારૂનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી, સીગારેટથી પણ થતા નુકસાન સામે લોકોને જાગૃત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃતિ લાવવાનું કાર્ય ઘનિષ્ટ રીતે થઈ રહ્યું છે. જેના ભાગરૂપે મહાત્મા ગાંધી જયંતિ નિમિતે રાજયમાં તા.૦૨/૧૦/૨૦૨૨ થી તા.૦૮/ ૧૦/૨૦૨૨ દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
 
દર વર્ષે આ સપ્તાહ દરમિયાન જિલ્લાના નશાબંધી અધિક્ષકશ્રીઓ અને નશાબંધી મંડળના સંયુકત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ સંદર્ભમાં નશાબંધીનો સંદેશો રાજયના દરેક નાનામાં નાના ગામડામાં પહોંચે અને ઘનિષ્ટ પ્રચાર થાય તે હેતુથી અનેક કાર્યક્રમો, સંમેલનો અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
 
આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દરેક જિલ્લાના મુખ્ય મથકે તા. ૦૨/૧૦/૨૦૨૨ ના રોજ નશાબંધી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવશે. જેમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. તદ્ઉપરાંત આ સપ્તાહ દરમિયાન રાજ્યના તાલુકા મથકો, જિલ્લા મુખ્ય મથકો તથા દરેક તાલુકાના અગત્યના વધુ વસ્તીવાળા ગામોમાં શાળાના વિદ્યાર્થીઓ તથા યુવાનોની પ્રભાત ફેરી, સરઘસ તથા રેલીઓનું પણ આયોજન કરવામાં આવે છે. માદક પદાર્થો, સીગારેટ વગેરેના સેવનની વિરુધ્ધમાં પ્રચારાત્મક સૂત્રોના બોર્ડ સાથે અગત્યના જાહેર માર્ગો ઉપર સાયકલ રેલી કે બાઈક રેલી કાઢી માદક દ્રવ્યોથી થતાં નુકસાન અંગે લોકજાગૃતિ માટે વ્યસનમુક્તિ સેમીનારો ગોઠવાશે.
 
જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકો, પ્રાધ્યાપકો, ડોક્ટરો નશાબંધી પ્રચારની કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવે છે. તો સ્થાનિક તાલુકા પંચાયતોમાં વિવિધ સ્તરોએ મહિલા પ્રતિનિધિઓના સંમેલનો યોજાશે. આ ઉપરાંત જિલ્લામાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારના પોકેટમાં તથા પછાત અને નબળા વર્ગના લોકો રહેતા હોય તેવા વિસ્તારમાં ભજનના કાર્યક્રમો યોજી તે કાર્યક્રમોની સાથે નશાબંધી સંમેલનો યોજવામાં આવે છે, જેથી નશાબંધી પ્રત્યે લોકોને જાગૃત કરી શકાય. 
 
ભજનિકો ઉપરાંત સંતો-મહંતો અને સ્થાનિક કલાકારોને પણ આ જાગૃતિ અભિયાનમાં સાંકળવામાં આવે છે. જેથી નશાબંધીનો સંદેશ વધુ અસરકારક રીતે અલગ-અલગ આગવી પોતીકી શૈલીમાં લોકોને આપી શકાય. તો, શહેરી કોર્પોરેશન વિસ્તારમાં સંબંધિત વિષય અનુસંધાને વકતૃત્વ અને ચિત્રકામ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.