શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑગસ્ટ 2021 (19:48 IST)

કોંગ્રેસની રજૂઆત વરસાદની અછત ધરાવતા વિસ્તારોનો સર્વે કરી અછતગ્રસ્ત કે અર્ધઅછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે સહાય જાહેર કરાય: અર્જુનભાઈ મોઢવાડિયા

-દર વખતે ખેડૂતોને હક માટે રસ્તા ઉપર ઉતરવુ પડે છે, જે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતી દર્શાવે છે: મોઢવાડિયા
-મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગત વર્ષે ખેડૂતોને નજીવી સહાય, આ વર્ષે પણ સહાયની કોઈ જાહેરાત નથી: મોઢવાડિયા
 
 
ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં પ્રથમ વરસાદ થયાના 50 દિવસ થવા છતાં હજી સુધી બીજો નોંધપાત્ર વરસાદ થયો નથી. જ્યાં વરસાદ થયો છે, ત્યાં પણ નજીવો વરસાદ થયો છે. એટલે રાજ્યમાં લગભગ અર્ઘદુષ્કાળ જેવી પરિસ્થિતી છે. જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં પૂરતો વરસાદ ન થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. આ સીઝનમાં રાજ્યમાં સરેરાશ 54 ટકા વરસાદની ઘટ છે. એટલે કે હજી સુધી જરૂરિયાત કરતા અડધો વરસાદ પણ રાજ્યમમાં નથી પડ્યો. કચ્છમાં 31.74 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 31.98 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં 37.94% ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં 37.10 ટકા વરસાદ પડ્યો છે. 
 
માત્ર દક્ષિણ ગુજરાતમાં 50 ટકાથી વધુ વરસાદ
એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં 51.41 ટકા એટલે કે 50 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 14 જિલ્લા એવા છે, જેમાં 50 ટકા કરતા વધારે વરસાદની ઘટ છે. જ્યારે રાજ્યના 13 જિલ્લાઓમાં 25 થી 40 ટકા વરસાદની ઘટ છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે, વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાઈ રહ્યાં છે. પશુઓ માટે વાવવામાં આવેલો ઘાસચારો પણ સુકાઈ રહ્યો છે. વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘાભાવના બિયારણ અને ખાતર લાવીને પાકની વાવણી કરી હતી. ખેડૂતોને આશા હતી કે કેનાલમાંથી પાણી મળશે, પરંતુ કેનાલમાં પાણી ન મળતા હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. 
 
ભાજપ સરકારે 'પાક વીમા યોજના' બંધ કરી દીધી
અર્જુનભાઈ મોઢવાડિયા ઉમેર્યુ હતું કે, ખેડુતોને દુષ્કાળ અને અતિવૃષ્ટિમાં નુકશાન સામે સુરક્ષા આપતી પાક વીમા યોજાનાને વર્તમાન ભાજપ સરકારે બંધ કરી દીધી છે. પરંતુ તેની અવેજીમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં માન. મુખ્યમંત્રીએ 'મુખ્યમંત્રી કિસાન સહાય યોજના' ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની SDRF યોજના પણ ઉપલબ્ધ છે. આ બંને યોજનાઓ મુજબ પ્રથમ વરસાદ થયા બાદ 28 દિવસ સુધી બીજો વરસાદ ના થાય તો ખેડૂતો લાભ મળવા પાત્ર છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33%થી 60% માટે રૂ. 20000 પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે. ખરીફ ઋતુમાં 60%થી વધારે પાક નુકશાન માટે રૂ.25000 પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે. 
 
'સુરેન્દ્રનગરના ખેડૂતો આંદોલન કરશે'
તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 50 દિવસથી વરસાદ થયો નથી. કૃષિ પાકો લગભગ મુરઝાઈ ગયો છે. દુષ્કાળની પરિસ્થિતી છે, જેના લીધે ગુરૂવારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતો આંદોલન કરવાના છે. આ આંદોલનને સુરેન્દ્રનગર શહેરના વેપારીઓએ પણ ટેકો આપેલો છે. બધા જ વેપારી એસોસિએશન, સોની મહાજન એસોસિએશન સહિતના સંગઠનોએ ટેકો આપેલો છે. બધા જ ખેડુત મિત્રોને પણ મારી વિનંતી છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાય. 
 
ખેડૂતોને સહાય ચૂકવવા મોઢવાડિયાની વિનંતી
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે, રાજ્ય સરકારને પણ મારી વિનંતી છે કે ખેડૂતોને પોતાના હક માટે દર વખતે રસ્તા ઉપર ઉતરવુ પડે તેવી સ્થિતી સર્જાય, તેવી સ્થિતી નિવારીને સરકાર 'મુખ્યમંત્રી કિસાન સહાય યોજના' અને SDRF યોજના હેઠળ ખેડૂતોને જે વચન આપવામાં આવ્યા છે તે વચનનું તાકીદે પાલન કરે. જે વિસ્તારોમાં વરસાદની ખેંચ છે તેવા વિસ્તારોને અછતગ્રસ્ત કે અર્ઘઅછતગ્રસ્ત જાહેર કરીને નિયમ મુજબ ખેડૂતોને સહાયની જાહેરાત કરે.