1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2023 (15:38 IST)

ટ્રેકટર સહિત મશીનરીની ખરીદી માટે રાજ્યના 85 હજાર જેટલા ખેડૂતોને 554 કરોડથી વધુની સહાય મંજૂર

tractor
ટ્રેક્ટર ખરીદી માટે 52,516ખેડૂતોને 315 કરોડ અને ખેત ઓજારોની ખરીદી માટે 32494  ખેડૂતોને 249 કરોડની સહાય: કૃષિ મંત્રીરાઘવજી પટેલ
 
ગત પાંચ વર્ષમાં ટ્રેકટર માટે 1.92  લાખ લાભાર્થીને 912 કરોડ તેમજ ખેત ઓજારો માટે 1.28 લાખ ખેડૂતોને 409 કરોડની સહાય મળી
 
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે.રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યારસુધીનો સર્વોચ્ચ વધારો કરી ટ્રેક્ટરની ખરીદી માટે અપાતી સહાયના માટે 62500 ખેડૂતોને 375 કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે, જે ગત વર્ષના બજેટની સરખામણીએ 237 ટકા જેટલી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં 240 કરોડની જોગવાઈ મંજૂર કરાઈ છે, જે ગત વર્ષના બજેટની સાપેક્ષે 351 ટકા જેટલી છે.
 
62500ના લક્ષ્યાંક સામે 59828 અરજીઓ મળી
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બજેટમાં મંજૂર કરાયેલી જોગવાઈ અનુસાર કામગીરી પૂર્ણ કરવા માટે કૃષિ વિભાગને અત્યાર સુધીમાં ટ્રેક્ટર ખરીદી સહાય માટે 62500ના લક્ષ્યાંક સામે 59828 અરજીઓ મળી હતી, જેની પૂર્તતા કર્યા બાદ કૃષિ વિભાગ દ્વારા 52516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે 315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે.આ ઉપરાંત વિવિધ ખેત ઓજારો માટે પણ જોગવાઈ મુજબ કામગીરી પૂર્ણ કરવા મળેલી 33713 અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા 32494 ખેડૂતોને ખેત ઓજારો ખરીદી માટે 249 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, બંને ઘટકને મળી રાજ્યના કુલ 85 હજાર જેટલા ખેડૂતોને કુલ રૂ. 564 કરોડથી વધુની સહાય માટે પૂર્વ મંજૂરી અપાઈ છે.
 
1,92,785 જેટલા લાભાર્થીને 912.50 કરોડની સહાય
રાઘવજીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેકટર ખરીદીમાં સહાય માટે કુલ 1,92,785 જેટલા લાભાર્થીને 912.50 કરોડની સહાય આપવામાં આવી છે. ખેતી માટે વપરાતા વિવિધ ખેત ઓજારો માટે પણ છેલ્લા પાંચ વર્ષમાં 128141 ધરતીપુત્રોને 409.52 કરોડની સહાય આપવામાં આવી છે. અગાઉના વર્ષોમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર અને વિવધ ખેત ઓજારોમાં સહાય માટે ઓનલાઈન અરજીઓ મળતી હતી જેની સામે સહાય માટે મંજૂર બજેટ મુજબ ટ્રેક્ટર માટે 65 થી 70 ટકા ખેડૂતોને ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી. જ્યારે વિવિધ ખેત ઓજારો માટે 15 થી 20 ટકા ખેડૂતોને જ ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી હતી.