શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (11:07 IST)

ગુજરાતના રાજ્યપાલને પોતાની કલાથી મોહિત કરનાર ઉત્તર પ્રદેશનો યુવાન અતા અલી

ભારતીય કલા અને કારીગરીની ‘શક્તિ અને પ્રગતિ’ના નિર્ધાર એવા હુનર હાટમાં ઉત્તરપ્રદેશના રામપુરના અતા અલી તેમની ૧૫ વર્ષના વધુ સમયની વાયોલીન બનાવવાની કલાને સુરતના આંગણે લાવ્યા છે. ગુજરાતના રાજ્યપાલને પોતાની કલાથી મોહિત કરનાર ૩૨ વર્ષીય અતા અલી નાની વયથી વાયોલીન સાથે જોડાયેલા છે. ૧૧ વર્ષની વયે જયારે બાળક રમકડાથી રમતો હોય ત્યારે તેઓ દિવસ-રાત વાયોલીન બનાવવાના વિડીયો યુ-ટ્યુબ પર નિહાળી મનોમન ખુશ થતા અને વાયોલીન બનાવવાના પ્રયત્નો કરતા હતા. 
 
આખરે ૧૫ વર્ષની ઉમરે તેમના સ્વપ્નએ એક ડગલું આગળ માંડ્યું અને ત્રણ વર્ષ રામપુર ખાતે પ્રશિક્ષણ મેળવ્યું. ત્રણ વર્ષની તાલીમ બાદ અતા અલીને પરિવાર અને મિત્રના સપોર્ટ દ્વારા વાયોલીન બનાવવાના ઓર્ડર મળવાના શરૂ થયા. ‘સફર શુરૂ તો હો ગયા, લેકિન મંજિલ કાફી દુર થી’ મંજિલ પર પહોંચવા ૧૦ વર્ષ સુધી ઘણી મુશ્કેલીનો સામનો કર્યો પરંતુ અતા અલી સકારાત્મક રહ્યા અને આગળ વધતા ગયા. 
 
વર્ષ ૨૦૧૬માં તેમના આ સફરમાં અન્ય લોકો પણ જોડાયા, ૨ વર્ષ સુધી લોકો દ્વારા ઓર્ડર લઇ કોઈ પણ સ્થળે ઓર્ડર પૂરો કરવાના સંકલ્પ તેમજ સતત મહેનત અને સંઘર્ષના પગલે વર્ષ ૨૦૧૮માં ‘આહિલ મ્યુઝીકલ’ કંપનીનું નિર્માણ આ યુવા ગ્રૂપ દ્વારા થયું. જેમાં આજે ૧૬ વયથી લઇ ૩૨ વયના ૧૦ થી ૧૫ યુવાનો કામ કરી રહ્યા છે.
 
‘આહિલ મ્યુઝીકલ’ કંપનીના મેન્યુફેક્ચરર અતા અલી વાયોલીનના વ્યવસાય વિષે જણાવતા કહે છે કે, ‘શરૂઆતમાં પરિવાર પણ મારા નિર્ણયમાં સાથે ન હતો તેઓ ઇચ્છતા હતા કે હું ભણતરમાં ધ્યાન આપું પરંતુ મને વાયોલીન સિવાય બીજું કઈ દેખાતું ન હતું. હું એમ નહીં કહીશ કે મારો સફર બહુ જ અઘરી હતી, પરંતુ સહેલી પણ ન હતી. 
 
કારણ કે આ ક્ષેત્રમાં ખુબ જ ઓછા લોકો તેમનું ભવિષ્ય જુવે છે અને આજે હું ગર્વ અનુભવું છું કે હું તેમાંથી એક છું. આજે મારો પરિવાર પણ ખુશ છે. સરકાર દ્વારા હુનર હાટ એક્ઝિબિશનના માધ્યમથી મારા જેવા અનેક કલાપ્રેમી અને કારીગરોને મોટા પાયે આર્થિક સહાય તેમજ ઓળખાણ મળી છે, હું પણ એ જ આશયથી સુરતના આંગણે પધાર્યો છું.