ગોવાના નાગરિકની વાર્ષિક માથાદીઠ આવક 4.35 લાખ સામે ગુજરાતની 2.13 લાખ છે - The annual per capita income of a Goa citizen is 2.35 lakh as against 2.35 lakh in Gujarat | Webdunia Gujarati
બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (09:33 IST)

ગોવાના નાગરિકની વાર્ષિક માથાદીઠ આવક 4.35 લાખ સામે ગુજરાતની 2.13 લાખ છે

ગુજરાતમાં દેશના ગ્રોથ એન્જિન તરીકે અને સૌથી વધુ વિદેશી રોકાણ થતું હોવાનો સરકાર દ્વારા અવારનવાર દાવો કરવામાં આવે છે. પરંતુ રાજ્યના નાગરીકની સરેરાશ માથાદીઠ આવક અન્ય કેટલાક રાજ્ય કરતાં ઓછી હોવાની માહિતી રાજ્યસભામાં અપાઈ છે. તે મુજબ ગુજરાતમાં 2019-20ના વર્ષમાં વાર્ષિક માથાદિઠ આવક 2 લાખ 13 હજાર 936 હતી. તેની સામે ગોવામાં 4 લાખ 35 હજાર 969, હરિયાણાની 2 લાખ 47 હજાર 628 અને દિલ્હીમાં માથાદિઠ આવક 3 લાખ 76 હજાર 221ની છે. જ્યારે 2018-19માં પણ ગુજરાત કરતાં અન્ય રાજ્યની માથાદિઠ આવક વધુ હતી.
 
સરકાર રાજ્યમાં રોકાણો આવતાં હોવાનો દાવો કરે છે
રાજ્યસભામાં વિવિધ રાજ્યના નાગરિકોની માથાદિઠ આવકમાં મોટો તફાવત અને છેલ્લા ત્રણ વર્ષની માથાદીઠ આવક અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના આયોજનમંત્રી રાવ ઈન્દ્રજીતસિંઘ દ્રારા જણાવાયું હતું કે,રાજ્ય દીઠ માથાદીઠ આવક નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે વર્તમાન કિંમત અને આધાર વર્ષને ધ્યાનમાં રાખીને ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખતાં અનેક યોજનાઓ ચલાવાય છે અને નીતિઓ બનાવીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં માથાદિઠ આવક વધે તે માટે નીતિઓનો અમલ કરાય છે. બીજી તરફ ગુજરાત તમામ ક્ષેત્રે નંબરવન હોવાનો અને ઔદ્યોગિક રીતે સૌથી વધુ રોકાણ આવતા મોખરાના રાજ્યમાં હોવાનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે. 
 
ગુજરાતના નાગરિકની માસિક માથાદીઠ આવક 17828
રાજ્યમાં સૌથી વધુ સંસાધનો નાગરિકો માટે પુરા પડાતા હોવા છતાં આંકડાકીય વાસ્તવિકતા અલગ છે. રાજ્યના નાગરીકોની મહિને સરેરાશ આવક 17 હજાર 828 રૂપિયા જેટલી થવા જાય છે. રાજ્ય સરકાર દ્વારા મહત્તમ રોકાણ, અનેક યોજનાઓ, વાઈબ્રન્ટ સમિટ જેવી ધરખમ મુડી રોકાણ અને રોજગાર આપતી ઈવેન્ટ, અબજો રૂપિયાની સિંચાઈ યોજનાઓ જાહેર કરવામાં આવે છે છતાં અનેક રાજ્યના નાગરિકની વધુ આવક જાહેર થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માહિતી મુજબ ગુજરાતના નાગરિકની વાર્ષિક માથાદીઠ આવક છે તેના કરતાં અન્ય નાના મોટા રાજ્યો વધુ આગળ છે. 
 
2018-19 અને 2019-20માં રાજ્યોની વાર્ષિક માથાદિઠ આવક (લાખમાં)
રાજ્ય 2018-19 2019-20
ગુજરાત 1,97,457 2,13,936
ગોવા 4,23,716 4,35,959
હરિયાણા 2,26,409 2,47,628
સિક્કિમ 3,75,773 4,03,376
તેલંગાણા 2,10,563 2,33,325
ચંદીગઢ 3,05,140 3,30,015
દિલ્હી 3,44,350 3,76,221
પોંડીચેરી 2,19,385 2,21,493