રાજ્યમાં આત્મનિર્ભર યોજનાનું ફોર્મ લેવા લાઈનો લાગી

Last Modified ગુરુવાર, 21 મે 2020 (13:48 IST)
લૉકડાઉનમાં ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. જેના ફોર્મ આજથી રાજ્યમાં 9 હજાર સ્થળો પર આપવામાં આવશે. આજ સવારથી જ આ ફોર્મ લેવા માટે સહકારી બેંકોમાં લોકો લાઇન લગાવી છે. ત્યારે કેટલીક જગ્યાએ લોકો શાંતિથી આ ફોર્મ લઇ રહ્યાં છે ત્યારે કેટલીક જગ્યા પર લોકો આક્ષેપ લગાવી રહ્યાં છે કે, તેમને બેંકવાળા કોઇ જવાબ કે આ અંગેની કોઇ સૂચના આપી નથી રહ્યાં. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લૉકડાઉનની સ્થિતિમાંથી ફરીથી બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આજથી મળવાનાં છે. ત્યારે ગાંધીનગરમાં એક સહકારી બેંકમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે કુંડાળા કરવામાં આવ્યાં છે. અહીં લોકો શાંતિથી લૉકડાઉનનાં નિયમોનું પાલન કરીને ફોર્મ લઇ રહ્યાં છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં પણ લોકોએ સવારથી જ ફોર્મ લેવા માટે લાઇનો લગાવી છે. અહીં પણ લોકો ચહેર પર માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ફોર્મ લેવા માટે ઉભા છે. પરંતુ લોકોને બેંક પાસેથી કોઇ વ્યવસ્થિ જવાબ ન મળવાનાં આક્ષેપો કરી રહ્યાં છે. ફોર્મ માટે કોઇ સલાહ કે સૂચના ન અપાતા લોકો હેરાન થતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યાં છે.


આ પણ વાંચો :