બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (12:27 IST)

યુવકની હત્યા મામલે બાવળા સજ્જડ બંધ, કોળી સમાજ દ્વારા બંધનું એલાન

bavda bandh
ગુજરાતમાં દિવસો દિવસ યુવાનોમાં વધતા ક્રાઈમના સમાચાર ખૂબ જ ચિંતાજનક છે.  આજકાલના યુવાનોનો ગુસ્સાના આવેગ પર કાબુ નથી. જેના કારણે એ ક્ષણવારના આવેગમાં તેઓ એવુ કૃત્ય કરી બેસે છે જે તેમને ગુનેગાર બનાવીને તેમનુ ભવિષ્ય અંધારામાં ધકેલી દે છે. આવી જ એક ઘટના 6 મે ના રોજ અમદાવાદના બાવળાના જૂના માર્કેટ યાર્ડમાં બની હતી. 
 
જાણો શુ હતી ઘટના 
ધોળકા તાલુકાનાં રનોડા ગામનાં ખેડૂત હિંમત નરસિંહભાઈ પરમાર 6 તારીખે ટ્રેકટર ડાંગર ભરીને હરાજીમાં વેચવા માટે બાવળા માર્કેટયાર્ડમાં આવ્યા હતાં. દરમ્યાન માર્કેટ યાર્ડમાં ટ્રેક્ટર પાર્ક કરવા માટે ત્યાં ક્રિકેટ રમતાં છોકરાઓ સાથે બોલાચાલી થઇ. આથી છોકરાઓએ તેમનાં સાગરીતોને બોલાવીને બેટ અને સ્ટમ્પથી મારામારી કરતાં હિંમતભાઈનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.

આરોપીઓ સગીર વયના
અમદાવાદ જિલ્લાના બાવળાના જુના માર્કેટ યાર્ડમાં યુવકની હત્યા મામલે પોલીસે તપાસ કરતા મોટાભાગના આરોપીઓ સગીર વયના હોવાનું જાણવા મળ્યું છે.  જેઓ નિયમિત રીતે માર્કેટ યાર્ડના મેદાનમાં ક્રિકેટ રમવા આવતા હતા અને ટ્રેક્ટર પાર્ક કરવાના મામલે અનેક  ખેડૂતો સાથે મારામારી પણ કરી ચુક્યા છે. બીજી તરફ બાવળામાં રહેતા મોટાભાગના હુમલાખોરોની ઓળખ થઇ ચુકી છે પરંતુ, તેઓ નાસી ગયા હોવાથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. બાવળા પોલીસે કુલ અજાણ્યા 12  લોકો સામે ગુનો નોધ્યો હતો. જેમાં સીસીટીવી  ફુટેજ અને સ્થાનિક સ્તરે તપાસ કરતા મોટાભાગના આરોપીઓ સગીર વયના  છે અને બાવળાના જ રહેવાસી છે. 

કોળી સમુદાય દ્વારા બંધનું એલાન
જે મામલે આજે કોળી સમુદાય દ્વારા બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોળી સમાજે બાવળા માર્કેટ યાર્ડને બંધનું એલાન આપ્યું છે. હત્યા મામલે જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી માંગ સાથે ખેડૂતો અને કોળી સમાજ દ્વારા બાવળામાં બંધનું એલાન અપાયું છે. બંધનું એલાન અપાતા આજે માર્કેટમાં તમામ દુકાનો બંધ જોવા મળી હતી.