બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (10:58 IST)

હવે લાઈટબિલમાં થશે વધારો, GERCની મંજુરી બાદ FPPPAમાં 32 પૈસાનો વધારો

રાજ્ય સરકારે છેલ્લા 5 મહિનામાં ચોથી વખત ઇંધણ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કરીને રૂ. 2.50 કર્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર કૃષિ ઉપભોક્તા સિવાયના તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે.
 
ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકિમની આગેવાની હેઠળ ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) એ તેની માટે જ મંજૂરી આપ્યા બાદ FPPPA વધારવામાં આવ્યો છે. એક સપ્તાહ પહેલાં એક ખાનગી ન્યુઝપેપરે એવો અહેવાલ આપ્યો હતો કે, GUVNL એ GERC પાસેથી FPPPAમાં 32 પૈસાના વધારાની માંગ કરી છે. 
જણાવી દઇએ કે, FPPPAમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરાતા ગુજરાતના 1.30 કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વર્ષે રૂ. 3240 કરોડનો વધારાનો બોજ આવશે. 
 
જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા માટે FPPPAમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો કરી આપ્યા બાદ હવે બીજો 20 પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છેલ્લાં ચાર જ મહિનામાં FPPPAમાં યુનિટ દીઠ વીજદરમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આમ, તો રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓએ FPPPAની ફોર્મ્યુલા હેઠળ યુનિટ દીઠ રૂ. 2.62 લેવાના થાય છે. તેમાંથી યુનિટ દીઠ રૂ. 2.30 વસૂલવામાં આવતા હતા. મે 2022થી તેઓ હવે યુનિટ દીઠ રૂ. 2.50 વસૂલી શકશે. આથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટ દીઠ 20 પૈસાનો અને 200 યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૂ. 40 અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી સાથે રૂ. 45થી 48નો વધારો આવશે.