1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃશ્ચિકા ભાવસાર|
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (13:27 IST)

પાવાગઢ દર્શન કરીને સુરતનો પરિવાર ઘરે પહોંચે તે પહેલાં જ કાળ આંબ્યો, કન્ટેનર પાછળ કાર ઘૂસતાં 4 લોકોના મોત

news
વડોદરામાં અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ગમખ્વાર અકસ્માતો નોંધાઈ રહ્યાં છે. ત્યારે વાઘોડિયાના જરોદ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયાં છે અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તે ઉપરાંત મૃતકોની બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉજ્જૈન અને પાવાગઢના દર્શન કરીને પરિવાર સુરત જઈ રહ્યો હતો. ત્યારે જરોદ પાસે અકસ્માત થયો હતો. સુરતનો પરિવાર ઉજ્જૈનથી દર્શન કરીને પરત આવતો હતો ત્યારે આ પરિવાર પાવાગઢના દર્શને ગયો હતો.

દર્શન કરીને પરત ફરતાં વાઘોડિયા તાલુકાના જરોદ પાસે જ તેમની કાર એક ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ દરમિયાન કારમાં બેઠેલા ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે જવા તાત્કાલિક ધોરણે રવાના થઈ હતી. પોલીસની સાથે  NDRFની ટીમે ઘટના સ્થળે જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસની ટીમે અકસ્માતમાં ઈજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.