મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 માર્ચ 2021 (10:54 IST)

ભાવનગરમાં દલિત RTI કાર્યકર્તાના ઘરમાં ઘૂસીને હત્યા, પુત્રી પણ ઇજાગ્રસ્ત

ગુજરાતના ભાવનગરમાં મંગળવારે એક દલિત આરટીઆઇ કાર્યકર્તાના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે. ઘટના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની છે. પોલીસના અનુસાર આરટીઆઇ કાર્યકર્તાની પુત્રી પણ ઘાયલ છે. તે ઘાયલ અવસ્થામાં ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. 
 
50 વર્ષીય આરટીઆઇ કાર્યકર્તા અમરાભાઇ બોરિચાના પરિજનોએ દાવો કર્યો છે કે તેમના પર લોખંડની પાઇપ, તલવાર અને ભાલા વડે હુમલો કર્યો હતો. અમરાભાઇની પુત્રી નિર્મલાએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે પહેલાં આરોપીએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ તેમના પિતા સુરક્ષા માટે ઘરની અંદર આવી ગયા. આરોપીઓએ અહીં જ અટક્યા નહી તે લોકોએ અમરાભાઇના ઘરનો ગેટ તોડી દીધો અને ઘરમાં ઘૂસી ગયા. ત્યારબાદ તેમણે અમરાભાઇ પર લોખંડની પાઇપ, તલવાર અને ભાલા વડે હુમલો કર્યો હતો. 
 
નિર્મલાના જણાવ્યા અનુસાર ઘટના મંગળવારે સાંજે થઇ હતી. ઉંચી જ્ઞાતિના લગભગ 50 જેટલા લોકો તેમના ગામમાં ડીજે વગાડતાં પસાર થયા હતા. આ દરમિયાન નિર્મલા  અને તેના પિતા બહાર ઉભા હતા. થોડીવાર પછી તે લોકો પરત ફર્યા અને નિર્મલાના ઘર પર પથ્થરમારો કરવા લાગ્યા. નિર્મલાનું કહેવું છે કે તેના પિતાને પોલીસ સુરક્ષા મળી હતી પરંતુ તેમછતાં આરોપીઓ હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા અને તેમની હત્યા કરી દીધી. 
 
નિર્મલાએ કહ્યું કે તેના પિતા પર વર્ષ 2013માં પણ હુમલો થયો હતો. આ દરમિયાન તેમના પિતાનો પગ ભાંગી ગયો હતો. મંગળવારે આ ઘટનામાં ઘાયલ નિર્મલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.