મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ડિસેમ્બર 2020 (11:45 IST)

ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રણનીતિ તૈયાર, જાણો ભાજપનો ગેમપ્લાન

પ્રદેશ કાર્યાલય કમલમ પર મળેલી 2 દિવસીય બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટનીઓ માટેનું મંથન કરવામાં આવ્યું હતું. જેમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતને પાયામાં રાખીને રણનીતિ ઘડવામાં આવી છે. 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે રીતે બેઠક દીઠ પ્રભારી-સહ પ્રભારી નિયુક્ત કર્યા હતા તે જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સંગઠન અને સરકારમાંથી 1-1 પ્રભારીની જિલ્લા દીઠ નિયુક્તિઓ કરવામાં આવી છે. 
 
ચિંતન બેઠક બાદ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે જે રીતે 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં જીત મળી તે જ રીતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીતના લક્ષ્યાંક સાથે રણનીતિ ઘડવામાં આવી છે. જિલ્લા દીઠ ચૂંટણી નિરીક્ષકોની નિયુક્તિઓ સાથે જ પેજ પ્રમુખ અને સમિતિઓ પર પણ ભાર મૂકવામાં આવશે. જે મુદ્દાઓના આધારે પેટાચૂંટણીઓમાં જીત મળી તે જ મુદ્દાઓ પર કામ કરાશે તો સાથે જ જે પ્રશ્નો, સમસ્યાઓ પેટા ચૂંટણી માં સામે આવી હતી તે અંગે પણ ચિંતન બેઠકમાં મંથન થયું. ભાજપ સંગઠનમાં કાર્યકરોને ધ્યાને રાખીને ચૂંટણી લક્ષી રણનીતિ ઘડવામાં આવતી હોય છે. 
 
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ સરકાર અને સંગઠનમાંથી 1-1 નેતાને જિલ્લાની જવાબદારી સોંપીને માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ તમામ નિરીક્ષકો જિલ્લાઓની મુલાકાત લેશે અને દર સપ્તાહે પ્રદેશ કાર્યાલય પર આ અંગેની સમીક્ષા બેઠક પણ મળશે. જેમાં જે તે જિલ્લાના સ્થાનિક સમીકરણો અને પ્રશ્નો પર ચર્ચા થશે. તમામ જિલ્લા નિરીક્ષકોની ઉપર મુખ્ય ચૂંટણી ઈન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાને જવાબદારી આપવામાં આવી છે. જ્યારે તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને મહેશ કસવાલા સહ ઈન્ચાર્જ રહેશે. 
 
ભાજપ પ્રમુખ બન્યા બાદ સી આર પાટીલે સતત ચૂંટણીઓ જીતવા માટે સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે ત્યારે 2 દિવસીય ચિંતન બેઠકમાં પણ આ જ મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. ચૂંટણીઓ જીતવા તમામ નેતાઓ, આગેવાનો કામે લાગે અને પરિણામ લાવે તે જ મુખ્ય લક્ષ્ય રહેશે. 
 
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખે પ્રવક્તાઓની પણ ટીમ બનાવી છે. જેમાં મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને તેમની સાથે અન્ય 4 પ્રવક્તાઓ પણ નિયુકત કર્યા છે. જેમાં અમદાવાદના  મેયર બીજલ પટેલનું નામ સૌથી ચોંકાવનારું છે. તેમને પ્રદેશ પ્રવક્તા તરીકે પ્રમોશન મળ્યું છે. અમદાવાદના સાંસદ ડૉ. કિરીટ સોલંકીને પણ પ્રદેશ પ્રવક્તા બનાવાયા છે. વડોદરા ના પૂર્વ મેયર ભરત ડાંગર ને પણ પ્રવક્તા તરીકે જવાબદારી સોંપી છે. ડિબેટ ટીમના ચહેરાઓમાંથી મહેશ કસવાલાને પણ પ્રવક્તા તરીકે જવાબદારી મળી છે. 
 
પ્રદેશ પ્રવક્તાઓની ટીમ ઉપરાંત ઝોન વાઈઝ પ્રવક્તાઓ નિયુક્ત થયા છે જેમાં મજૂરા ના ધારાસભ્ય હર્ષ સંઘવી ને દક્ષિણ ઝોન, પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલને ઉત્તર ઝોન, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાને કચ્છ, રાજુ ધ્રુવને સૌરાષ્ટ્ર અને કેયુરભાઈ રોકડીયાને મધ્ય ઝોનની જવાબદારી આપી છે. 
 
આમ ચિંતન બેઠક માં પ્રદેશ ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા માળખું તૈયાર કરી લીધું છે. આગામી દિવસોમાં જિલ્લા નિરીક્ષકોની મુલાકાતો સાથે ચૂંટણીઓ જીતવા માટેની રણનીતિ વેગવંતી બનશે.