1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ડિસેમ્બર 2019 (13:01 IST)

અમદાવાદમાં નરોડા ભાજપ વોટ્સએપ ગૃપમાં અશ્ચિલ ફોટો અપલોડ થતાં વિવાદ

દેશભરમાં દુષ્કર્મના કારણો અંગે ચર્ચા થઈ રહી છે અને તેમાં પણ પોર્નોગ્રાફી મહત્ત્વનું કારણ મનાય રહ્યું છે ત્યારે નરોડા ભાજપ વોર્ડના વોટ્સએપ ગ્રૂપમાં એક સભ્યે અશ્લીલ ફોટા ગ્રૂપમાં મોકલી દેતા ભારે વિવાદ સર્જાયો છે.

સરદારનગર વિસ્તારમાં રહેતા અને ભાજપના કાર્યકર તેમજ વર્ષ 2015માં અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડેલા વિનોદ અસનાનીએ નરોડા ભાજપ વોર્ડના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા પોસ્ટ કર્યા હતા. જેના પગલે આ ગ્રૂપમાં રહેલી મહિલા સભ્યોએ સખત વાંધો ઉઠાવ્યો હતો અને અન્ય કેટલાક સભ્યોએ પણ વિનોદ અસનાનીની આ હરકત સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. જો કે, આ કરતૂત અંગે વિનોદ અસનાનીએ ગ્રુપમાં કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. જેને પગલે મહિલા સહિતના સભ્યો ગ્રુપમાંથી લેફટ થઈ ગયા હતા. ત્યારબાદ વિનોદ અસનાનીએ પોતે કરેલી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. બાદમાં તેમણે દિલગીરી વ્યકત કરી હોવાનું પણ ભાજપના સૂત્રોએ જણાવ્યુ હતુ. ત્યારબાદ આ ગ્રૂપને એડમિન દ્વારા સાઇલન્ટ કરી ઓન્લી એડમિન કરી દેવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાએ આ મામલાની નોંધ લેવામાં આવી હતી.

જોકે, અગાઉ પણ આ જ વિસ્તારના અન્ય એક ગ્રૂપમાં પણ આ જ પ્રકારના સંખ્યાબંધ અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હોવાથી ભારે વિવાદ સર્જાયો હતો. આ પછી આ બીજી ઘટના છે જેમાં અશ્લીલ ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે. નરોડા ભાજપ ગ્રૂપના એડમિને સ્વબચાવમાં કહ્યું હતું કે, મને આ ઘટના અંગેની કોઈ જ જાણકારી નથી. મને તો મોબાઈલનો ઉપયોગ કરતા પણ આવડતું નથી. હું તો ભાજપનો સક્રિય સભ્ય પણ નથી. અન્ય સભ્યોએ વિવાદીત પોસ્ટ પછી એડમિનને કહ્યું હતું કે, આ યોગ્ય નથી અને આ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે. આ પછી સભ્યો લેફટ થઈ ગયા હતા.