સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (11:59 IST)

ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતાં હવે આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશેઃ હાર્દિક પટેલ

જો ખેડૂતોના ત્રણ કાયદાઓ દેશ હિત માટે હતા તો કેમ પરત ખેંચવામાં આવ્યા : કિસાન કોંગ્રેસ
ખેડૂતોના આંદોલન સામે ઘૂંટણિયે પડી કેન્દ્ર સરકારે કાળા કાયદા પરત ખેંચવા પડ્યાઃ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા 
સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છેઃ શંકરસિંહ વાઘેલા
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.
 
સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છેઃ શંકરસિંહ વાઘેલા
વડાપ્રધાનની આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફેસબુક પર જણાવ્યું હતું કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતાં. હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે. બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે. 
 
700 ખેડૂતોની શહાદત બાદ નિર્ણય લેવાયો
કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ 
ગિરધર વાઘેલાએ કહ્યું હતું કે, જો ખેડૂતોના ત્રણ કાયદાઓ દેશ હિત માટે હતા તો શા કારણે તેને પરત ખેંચવામાં આવ્યા. 700 ખેડૂતોની શહાદત બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.3 કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવતા રાજકોટ શહેર ખાતે કિશાન સંઘ દ્વારા ફટાકડા ફોડી આ નિર્ણયને આવકારી અને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
 
સાંસદ કુંડારિયાએ વડાપ્રધાનનો આભાર માન્યો
બીજી તરફ રાજકોટ લોકસભાના સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને વધુ ને વધુ સારી રીતે કેવી રીતે ઉપયોગી થઇ શકે તે માટે પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોને વધુ ઉત્પાદન થાય,ઓછા ખર્ચ થાય સારા ભાવ મળે આ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. કેટલાક ખેડૂતોની માંગ હતી જેને ધ્યાનમાં રાખી આ 3 કાયદા પરત ખેંચવા જાહેરાત કરી આ સાથે કૃષિને લગતી બાબતો માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે માટે હું દેશના વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરું છું.
 
સરકાર ખેડૂતો સામે ઘૂંટણિયે પડી
વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા જાહેરાત કર્યા બાદ રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલન સામે ઘૂંટણિયે પડી કેન્દ્ર સરકારે આ કાળા કાયદા પરત ખેંચવા નિર્ણય કરવો પડ્યો છે. ખેડૂતોની આજે જીત થઇ છે ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ આંદોલન કારી ખેડૂતો અને અન્ય ખેડૂતો ભાજપ સરકારને જાકારો આપવાની છે એ વાત નિશ્ચિત છે. ઉપરાંત જયારે પણ કોઇ નવા કાયદા લાગુ કરવા હોય તો એ પહેલા સંબધિત લોકો સાથે બેસી અને ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવો જોઈએ તેવી મારી માંગ છે અને આ કાયદા પરત ખેંચી સરકારે બોધપાઠ મેળવવો જોઈએ.