1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

રાજકોટના ગુંદામાં પરિવારના માતાજીના માંડવામાં ભાજપના મંત્રી અરવિંદ રૈયાણી ધૂણ્યા

matazi
રાજકોટ તાલુકામાં રાજ્યમંત્રીનું ગામ ગુંદા છે ત્યાં રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો. ખાસિયત એ છે કે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે. માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં મંત્રી રૈયાણીએ ધૂણવાનું ચાલુ કર્યું હતું અને સાંકળ લઈને પોતાના પર કોરડા ફટકાર્યા હતા.

અરવિંદ રૈયાણી પરિવારના રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને તેઓ જ્યારે માતાજીના માંડવામાં ધૂણવા લાગ્યા ત્યારે પરિવારજનોએ તેમના પર રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. અરવિંદ રૈયાણીએ પોતાના માથા પર માતાજીની ચૂંદડી પણ ઓઢી ધૂણતા નજરે પડ્યા હતા. આ સમયે પરિવારજનો તેઓને પગે લાગીને આર્શીવાદ મેળવતા હતા. શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા પણ અરવિંદ રૈયાણી વર્ષોથી ભૂવા તરીકે ઓળખાય છે અને માંડવો હોય ત્યારે ધૂણે જ છે.અરવિંદ રૈયાણી પરિવારના માતાજીના માંડવામાં ધૂણતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં પરિવારજનોએ રૂપિયાનો વરસાદ કરતા સ્ટેજ પણ નોટોથી ઉભરાય ગયું હતું. માતાજીના આ માંડવામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.