1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (15:32 IST)

ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર વધી, યુવાન ધારાસભ્યોને સ્થાન મળે તેવી ચર્ચાઓ

આજે વહેલી સવારથી જ મુખ્યમંત્રીના બંગલાની નજીકમાં આવેલા ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર વધી ગઈ છે. ખાસ કરીને કેટલાક ચોક્કસ ધારાસભ્યોને ફોન કરીને પાટીલના બંગલે મળવા બોલાવ્યા હોવાની પણ ચર્ચા છે. પાટીલના બંગલે જામેલા મેળાવડામાં રૂપાણી સરકારના એકપણ મંત્રીની હાજરી જોવા મળતી નથી. એને બદલે નવા ધારાસભ્યો પાટીલને મળીને હસતા મોઢે બહાર નીકળતા હોવાનું જોવા મળ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે ત્યારે નવા મંત્રીઓનાં નામોનું આખરીકરણ પાટીલના બંગલે થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.સવારે સાત વાગ્યાથી જ પાટીલના ઘરે ધારાસભ્યોની અવરજવર શરૂ થઈ હતી. 9.30 વાગ્યે રાજ્યસભાના સાંસદ અને અન્ય નેતાઓ સાથે પાટીલે મીટિંગ કરી હતી. 10.30 વાગ્યે અન્ય ધારાસભ્યો આવતા મંત્રી પદ માટેના નામોની ચર્ચાઓ થઈ હતી. ત્યાર બાદ ફરીવાર 12 વાગે રજની પટેલ અને અન્ય નેતાઓ સાથે પાટીલે મીટિંગ કરી હતી. હવે ફરીવાર વધુ ધારાસભ્યો પાટીલના બંગલે પહોંચ્યાં છે.વહેલી સવારથી પાટીલના બંગલે થઈ રહેલી ચહલપહલમાં અત્યારસુધી હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદ પટેલ પહોંચ્યાં હતાં. ગોવિંદ પટેલ પાટીલને મળીને થોડીક જ ક્ષણોમાં બહાર નીકળી ગયા હતા, જ્યારે ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો હજી પાટીલના બંગલામાંથી બહાર આવ્યા નથી. જેથી મંત્રીપદ કોને મળશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.