સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (15:48 IST)

ભાજપની રેલીમાં ભાજપના કાર્યકરો ગરબે રમ્યાં

ભાજપની રેલીમાં ભાજપના કાર્યકરો ગરબે રમ્યાં
રાજ્યમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થઈ જશે. આવતીકાલે સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. ચૂંટણી જીતવા માટે હવે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની આ ચૂંટણી માટેની અંતિમ રેલી શહેરમાં નીકળી છે. ત્યારે પીક અવર્સ દરમિયાન નીકળેલી રેલીના કારણે ટ્રાફિક જામ થયો હતો અને અનેક અમદાવાદીઓ ટ્રાફિકમાં ફસાઈ ગયાં હતાં.

મોટા ભાગના વોર્ડમાં આજે રેલી ઉપરાંત ભાજપની રેલીને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. હજી ભાજપની રેલી શરૂ થઈ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં શાહીબાગ નમસ્તે સર્કલ પાસે મોટો ટ્રાફિક જામ થયો હતો. લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. શાહીબાગ વોર્ડની રેલીમાં ભાજપના કાર્યકરો બાઇકો પર માસ્ક વગર અને હેલ્મેટ વગર આવ્યા હતા. નમસ્તે સર્કલથી દિલ્લી દરવાજા , દરિયાપુર દરવાજા, પ્રેમદરવાજા, કાલુપુર ચાર રસ્તા, કાલુપુર રેલવે સ્ટેશન સહિત કોટ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહેતો હોય છે

ત્યારે રેલીના કારણે ભારે ટ્રાફિક સમસ્યામાં મુકાયા છે.અમદાવાદમાં ભાજપની રેલીમાં દેશમાં થયેલા કાર્યોને લઈને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. રેલીમાં જોડાયેલા વાહનોમાં રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત તમામ કાર્યકર્તાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કોરાણે રાખીને હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રચારની આખરી ઘડીએ શરુઆત કરી દીધી છે. નમસ્તે સર્કલ પાસે સી.આર.પાટીલનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.