પાક મરીન દ્વારા પોરબંદરની 2 બોટ અને 11 ખલાસીઓનું અપહરણ
પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ આવતું નથી. ભલે પછી તે એલસીઓ હોય કે પછી દરિયાઇ સીમા. ત્યારે વધુ એકવાર પાકિસ્તાનની અવળચંડાઇ જોવા મળી છે. પાક મરીન દ્વારા પોરબંદરની 2 બોટ અને 11 ખલાસીઓના અપહરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરની રિદ્ધિસિદ્ધિ અને શ્રીગણેશ નામની બે બોટમાં નવસારી અને ગીરસોમનાથના 11 માછીમારો જખૌની દરિયાઇ સીમા પાસે માછીમારી કરતા હતા, આ માછીમારો ફિશિંગ ઝોનમાં જ માછીમારી કરતા હતા.
પોરબંદરના ફિશરીઝવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખલાસીઓના પરીવારજનોને જીવન નિર્વાહ માટે સરકારી યોજના મુજબ સહાય ચુકવવામાં આવશે. બંને બોટના લાયસન્સ રદ કરી, ડીઝલ કાર્ડ, બોટ રજિસ્ટ્રેશન રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ખલાસીઓના પરિવારજનોને જીવન નિર્વાહ મળી રહે તે માટે જરૂરી દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની જળ સીમાએથી છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધી કુલ 10 બોટ અને 61 માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું