બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (14:19 IST)

પોરબંદરના દરિયામાં કરંટ અને કોરોનાને કારણે રાષ્ટ્રધ્વજ વંદન નહીં થાય

પોરબંદરમાં દર વર્ષે 15મી ઓગષ્ટે સમુદ્રમાં થતું ધ્વજવંદન આ વખતે કોરોનાની મહામારી અને દરિયામાં કરંટને લીધે બંધ રાખવામાં આવ્યું છે. પોરબંદરની શ્રીરામ સી સ્વીમિંગ ક્લબ દ્વારા છેલ્લા 20 વર્ષથી સ્વતંત્રતા પર્વ અને ગણતંત્ર પર્વ પર પોરબંદરની ચોપાટીના સમુદ્રની વચ્ચોવચ્ચ ધ્વજવંદન કરવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી ફેલાઇ હોય અને તેનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા ચોપાટી પર 144ની કલમ લાગુ કરવામાં આવી છે. એકસાથે વધુ લોકો ભેગા ન થાય તેવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેથી આવાનારી 15મી ઓગષ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે પોરબંદરની ચોપાટી પર શ્રીરામ સી સ્વીમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવશે નહીં તેમ સંસ્થાના પ્રમુખે જણાવ્યું છે.હાલ હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ બાબતને પણ ધ્યાને રાખીને આ વર્ષે ધ્વજવંદનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયામાં લોકો ઉતરે ત્યારે મોજાને કારણે એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી જેને લઈને રાષ્ટ્રધ્વજ વંદનનો કાર્યક્રમ સંસ્થા દ્વારા બંધ રાખવામાં આવ્યો છે.