ગુજરાતમાં નવા ૧૧ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવા કેન્દ્રએ આપી મંજૂરી: ટુંક સમયમાં કાર્યરત કરાશે  
                                       
                  
				  				   
				   
                  				  કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિંડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ૨૮૦ PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
				  										
							
																							
									  
	 
	ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહ મંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે કોલવડા ખાતે આજે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનશે દર મિનિટે 280 લીટર ઓક્સિજન દર્દીઓને મળશે એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.
				  
	 
	તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અને વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું  પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે જે અન્ય લોકોને મદદરૂપ થશે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	અમિત શાહે તેમના સંસદીય મતવિસ્તારમાં ગ્રામીણ નાગરિકો માટે ઉપલબ્ધ કરાયેલ સેવાઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અભિનંદન પાઠવતા કહ્યું કે વિજય અને નીતિન પટેલે ગુજરાતમાં કોરોના ની પ્રથમ લહેર વખતે જે રીતે કામગીરી કરી હતી. એ જ રીતે આજે પણ કોરોના ની બીજી લહેર માં મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે આ બીજા તબક્કામાં પણ આપણે કોરોના ને હરાવીને ગુજરાતના નાગરિકોને બહાર લાવીને સુરક્ષિત કરશું.
				  																		
											
									  
	 
	તેમણે ઉમેર્યું કે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડીઆરડીઓના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત બનશે. જેમાં 600 બેડ ICUની સુવિધા ધરાવતા હશે. જેનો લાભ પણ સત્વરે નાગરિકોનો મળતો થશે, આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. 
				  																	
									  
	 
	આ પ્રસંગે કોવિંની કામગીરી માટે નિયુકત કરાયેલ ગાંધીનગર જિલ્લાના પ્રભારી સુનયના તોમર,ગાંધીનગર જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર રતન કવર ગઢવી ચારણ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.