મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 એપ્રિલ 2021 (09:04 IST)

આરોગ્ય મંત્રી PPE કીટ પહેરી પહોંચ્યા હોસ્પિટલ, દર્દીઓના પૂછ્યા ખબર અંતર

‘તબિયત કેમ છે?..' 'કોઈ તકલીફ તો નથી ને..?' 'ભોજન સમયસર મળે છે ને?' ‘જરાય ચિંતા ન કરશો..’, ‘કોઈ સમસ્યા હોય તો નિ:સંકોચ કહેજો’, 'તમે જલદી સાજા થઈ જશો' આ શબ્દો છે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીના, જેમણે કોરોના સામે લડવા કોવિડ દર્દીઓનો જોમ-જુસ્સો વધારવા સંવેદનશીલ અભિગમ દાખવતા પીપીઈ કીટ પહેરી નવી સિવિલની કિડની હોસ્પિટલના કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી, જ્યાં દર્દીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી તેમની તબિયતની પૃચ્છા કરી હતી. 
વોર્ડના દરેક દર્દી સાથે આત્મીય સંવાદ સાધી આરોગ્ય તંત્ર અને સરકાર તમારી સાથે છે એવો ભરોસો આપ્યો હતો, અને ઝડપભેર સ્વસ્થ થઈ જશો એવી શુભકામના પાઠવી હતી.
 
કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સુવિધાઓ સંબંધી જાણકારી મેળવીને કોવિડ પોઝિટીવ વોર્ડમાં ફરજ બજાવતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની નિયમિત તપાસ, સારસંભાળ અને આરોગ્ય સુવિધાઓને નજરે નિહાળી હતી. તેમણે દાખલ દર્દીઓની આસપાસ અને વોર્ડમાં સ્વચ્છતા, સમયસર ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વિષે જાતતપાસ કરી, સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. 
કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, આજે ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને કોવિડ દર્દીઓ સાથે વાતચીત કરીને સમગ્રતયા જાણકારી મેળવી હતી. કોવિડ દર્દીઓની મુલાકાત લઈ તેમનો પ્રતિભાવ અને પ્રતિસાદ મેળવ્યો હતો. જાણીને આનંદ થયો કે તમામ દર્દીઓએ સિવિલના તબીબો, આરોગ્ય સ્ટાફ અને અહીંની સુવિધાઓ અંગે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. 
 
મહત્તમ દર્દીઓએ એમ પણ કહ્યું કે, તેઓને સિવિલમાં ખાનગી હોસ્પિટલો કરતાં પણ સારી સારવાર મળી રહી છે અને ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ નિયમિતપણે રાઉન્ડ પર આવી તબિયતની કાળજી લઈ રહ્યા છે. 
મંત્રીની હાજરીમાં વોર્ડમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા જ્યારે લાઉડસ્પીકર પર ભજનોની સુરાવલિ છેડાતા સૌ દર્દીઓએ તાળીઓ પાડીને સાથ આપ્યો હતો. એક નર્સ બહેને વોર્ડમાં દાખલ અમરોલીના વડીલ વૃદ્ધાનો ઉત્સાહ વધારતાં કહ્યું કે, 'માસી, આપણે કોરોનાને સાથે મળીને હરાવવાનો છે, ત્યારે તેમણે નર્સિંગ બહેનોના દુઃખણા લઈને આશીર્વાદ આપતાં કહ્યું કે, 'ભગવાન તમને સૌને સાજાનરવા રાખે..'. આમ, આરોગ્ય રાજ્યમંત્રી પણ કોરોના દર્દીઓ સાથે આત્મીયતા સાધી તેમના દુ:ખદર્દમાં ભાગીદાર બન્યાં હતાં.