શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (15:00 IST)

કેન્દ્રીય માહિતી આયોગનો ચુકાદો, પત્નીએ ભરણપોષણનો દાવો કર્યો હશે તો પતિએ આવકની વિગતો આપવી પડશે

કેન્દ્રીય માહિતી આયોગે એક મહત્ત્વની અપીલનો નિકાલ કરતાં મહિલાના ભરણપોષણ કેસમાં પતિની આવકની સામાન્ય માહિતી આપી શકાય એવો આદેશ આપ્યો છે. સામાન્ય રીતે ત્રાહિત પક્ષકારની માહિતી ત્રાહિત વ્યક્તિને અપાતી નથી, પરંતુ ભરણપોષણના કેસમાં પતિની આવકને વ્યક્તિગત માહિતીની કક્ષામાં ગણવાની રહેતી નથી, એમ આયોગે જણાવ્યું છે, સાથે જ અરજદાર અંબિકા ભાટિયાને તેમના પતિની ચોખ્ખી કરપાત્ર આવક અને કુલ આવકની માહિતી પંદર દિવસમાં આપવાની રહેશે. 

એવો આદેશ કર્યો છે.માહિતી ગુજરાત અધિકાર ગુજરાત પહેલ થકી આ ચુકાદાની વિગતો જાહેર કરવામાં આવી છે. કેસની વિગતાવર વાત કરીએ તો અંબિકા ભાટિયાએ 2013-14થી 2020-21 સુધીની તેમના પતિની કુલ અને કરપાત્ર આવકની માહિતી ઓનલાઈન RTI અરજી કરીને માગી હતી. ખાધા ખોરાકીને લગતા કેસમાં પતિની આવકની રકમ નક્કી કરવા માટે આ વિગતો જરૂરી હોવાથી તેમણે માહિતી માગી હતી.તેમણે કેન્દ્રીય માહિતી આયોગના રહેમત બાનોના કેસના ચુકાદાનો આધાર લીધો હતો, જેમાં આવી મંજૂરી અપાઈ હતી. આયોગ સમક્ષ સુનાવણી દરમિયાન જામનગરની આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સની કચેરીના જાહેર માહિતી અધિકારીએ અન્ય ચુકાદાનો ઉલ્લેખ કરીને માહિતી આપવાનો ઈનકારર કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે અપીલકર્તા કાયદેસર રીતે ત્રાહિત પક્ષકારનાં પત્ની હોઈ શકે છે, પરંતુ RTIના કાયદાની જોગવાઈ મુજબ ત્રાહિત પક્ષકાર હોય તો માહિતી પૂરી પાડવામાં આવતી નથી.હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને સુનાવણીના અંતે સીઆઈસીના માહિતી કમિશનર સરોજ પૂનાનીએ ચુકાદો આપતાં પંદર દિવસમાં જ અંબિકા ભાટિયાને તેમના પતિની આવકની માહિતી આપવા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અને જામનગરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સના ઓફિસરને જણાવ્યું હતું, સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હોય તો એમાં પતિની આવક અંગેની માહિતી વ્યક્તિગત કક્ષામાં ગણવાની રહેતી નથી. ટેક્સના રિટર્નની વિગતો કે તેની નકલો ત્રાહિત પક્ષકારની માહિતી ગણાય અને તે અન્ય ત્રાહિત વ્યક્તિને આપવાની જરૂર નહીં હોવા છતાં આ કિસ્સામાં આપવાનો નિર્દેશ કર્યો હતો.