રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (09:15 IST)

ચૈતર વસાવા ભરૂચથી લોકસભાની ચૂંટણી લડશે

Chaitar Vasava will contest the Lok Sabha elections from Bharuch
Chaitar Vasava will contest the Lok Sabha elections from Bharuch
- દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના  પ્રવાસે
- ભાજપે આ મુલાકાતને 'રાજકીય સ્ટન્ટ' ગણાવી
-  ચૈતર વસાવા ભાજપનો કાળ છે. - કેજરીવાલ  
 
આમ આદમી પાર્ટીના (આપ) રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી રવિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે.
 
તેમણે આ પ્રવાસની શરૂઆત ભરૂચના નેત્રંગ ખાતે નર્મદાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા સંબોધીને કરી હતી. જોકે, ભાજપે આ મુલાકાતને 'રાજકીય સ્ટન્ટ' ગણાવી છે.
 
નોંધનીય છે કે વનવિભાગના કર્મીને ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપસર ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગત 15 ડિસેમ્બરના રોજ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. જે બાદથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
 
ચૈતર વસાવાની ધરપકડને ‘ભાજપના અંતની શરૂઆત’ ગણાવતાં તેમણે જનસભામાં મંચ પરથી આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી.
 
દિલ્હીની નવી શરાબનીતિ મામલે કથિત ગોટાળાના આરોપસર પ્રવર્તન નિદેશાલય (ઈડી)ના સતત ત્રીજા સમન્સ બાદ પણ પૂછપરછ માટે હાજર ન રહેતા અરવિંદ કેજરીવાલની પણ ‘ધરપકડની આશંકા’ વ્યક્ત કરાઈ રહી હતી.
 
જેને પગલે કેજરીવાલના ગુજરાત પ્રવાસના આશય અંગે પણ જાતભાતનાં અનુમાનો વ્યક્ત કરાઈ રહ્યાં છે.
 
કેજરીવાલે સંબોધનમાં શું કહ્યું?
 
 
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ચૈતર વસાવાની ધરપકડ સહિતના મુદ્દે વાત કરતાં ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
 
તેમણે કહ્યું હતું કે, “આખા ગુજરાતમાં જો ભાજપ કોઈનાથી ડરતો હોય તો એનું નામ છે ચૈતર વસાવા. ચૈતર વસાવા ભાજપનો કાળ છે.”
 
તેમણે આરોપ મૂકતાં કહ્યું હતું કે, “ભાજપ ચૈતર વસાવાને પાર્ટીમાં સામેલ કરવા માટે દબાણ કરી રહ્યો છે, લાલચ આપી રહ્યો છે, પણ તેમણે આદિવાસી માટે લડવાનું પસંદ કર્યું છે.”
 
કેજરીવાલે આવતી કાલે જેલમાં ચૈતર વસાવાને મળવા જવાની વાત કરી હતી.
 
કેજરીવાલે પોતાના સંબોધનમાં ભાજપ પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે, “ભાજપનો સમય પૂરો થઈ ગયો છે, જરૂર પડશે તો ચૈતરભાઈ જેલમાંથી પણ લોકસભાના ચૂંટણીમેદાને ઊતરશે. તમારે એમના માટે લડવાનું છે.”
 
આ સિવાય તેમણે ચૈતર વસાવાની ધરપકડને આદિવાસીના ‘સ્વમાન પરનો હુમલો’ ગણાવતાં સમાજને ‘એક થવાની’ હાકલ કરી હતી.
 
કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શાબ્દિક પ્રહાર કરતાં આ મુલાકાતને રાજકીય સ્ટન્ટ ગણાવતાં કહ્યું હતું કે, “ગુજરાતની મોટા ભાગની લોકસભાની બેઠકો અમે જીતીશું એ ભ્રમમાં અને લોકોને ગેરમાર્ગે દોરવા તેઓ નેત્રંગની સભામાં આવી રહ્યા છે. પણ આમાં તેમને ઝાઝી સફળતા મળવાની નથી.”
 
 
ચૈતર વસાવા સામે નોંધાયેલો કેસ શું છે?
આ સમગ્ર ફરિયાદ શું છે તે અંગે નર્મદા જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પ્રશાંત સુંબેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં ગત 29 ઑકટોબરે વનવિભાગના કેટલાક કર્મચારીઓ તરફથી વનવિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરીને ખેતી કરવામાં આવતી હતી જેને દૂર કરવામાં આવી હતી."
 
"આ અંગે વાત કરવા માટે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનનિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવ્યા હતા."
 
આ સમગ્ર ઘટનાક્રમ અંગે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, "વનવિભાગના કર્મચારીઓ એમના ઘરે ગયા હતા, ત્યારે તેમની સાથે બોલાચાલી કરી તેમજ મારપીટ કરી હતી. ખેડૂતોને પૈસા આપવાનું કહ્યું હતું."
 
અધિકારી સુબેએ સમગ્ર ફરિયાદ અંગે વધુ જણાવતાં કહ્યું હતું કે, "પૈસા નહીં આપવામાં આવે તો તેમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. એક હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માગણી કરવામાં આવી હતી."
 
"જેથી વનવિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા ત્યાર બાદ વનવિભાગના અધિકારીઓએ આ મામલો અમારી સામે લાવ્યા હતા."
 
રાજ્ય સરકાર તરફથી વનવિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે ચૈતર વસાવાના આત્મસમર્પણ અગાઉ ધારાસભ્યના અંગત મદદનીશ, તેમનાં પત્ની તેમજ એક બીજા ખેડૂતની ધરપકડ કરાઈ હતી.
 
આ ફરિયાદમાં આરોપીઓ પર અભદ્ર ગાળો બોલવાનો તથા ફરિયાદીને ગાલ પર લાફા મારવાનો પણ આરોપ છે.
 
સમગ્ર મામલે 29 ઑક્ટોબરના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની શકુંતલાબહેન, ડુંગર ભાંગડાભાઈ વસાવાનાં બે દીકરીઓ, રમેશભાઈ વસાવા, રમેશભાઈનાં પત્ની અને બે અજાણ્યા શખ્સો, ધારાસભ્યના અંગત સચિવ સામે આઇપીસીની કલમ 143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294 (ખ), 506(2), 34 તથા હથિયાર ધારો 25 (એ)1 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.