સિવિલ હોસ્પિટલમાં દશેરાનો પવિત્ર પર્વ એતિહાસિક બન્યો , બ્રેન ડેડ આધેડના અંગદાનથી 4 મહામૂલી જિંદગી બચશે

Last Modified રવિવાર, 17 ઑક્ટોબર 2021 (17:21 IST)
દશેરાનો પવિત્ર પર્વ એતિહાસિક બન્યો ,બંને હાથના દાન મેળવવાના દેશમાં 5 અને વિશ્વમાં 110 કિસ્સા નોંધાયા
દશેરાનો પવિત્ર દિવસ સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિઆદના 52 વર્ષીય અરૂણ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી. અરૂણ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યુ હતુ. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.
અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા. જ્યારે હ્યદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

અંગદાન અંગે વાત કરતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાને દશેરાના પવિત્ર દિવસે 300 દિવસ પૂર્ણ થયા છે. આ 300 દિવસોમાં કોરોનાકાળની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના કુલ 50 અંગોનું દાન સ્વીકારાયુ છે. જેમાં 14 લીવર, 25 કિડની, 4 સ્વાદુપિંડ, 3 હ્યદય, 2 હાથ અને 2 ફેફસાનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત 32 આંખોના પણ દાન મેળવવામાં સફળતા મળી છે. આ તમામ અંગોના દાન થકી 38 થી વધુ વ્યક્તિના જીવનશૈલીમાં સુધાર આવ્યો છે તેમજ તેમને નવજીવન મળ્યું છે.

બ્રેઈનડેડ અરૂણભાઇ નડીઆદના વતની હતા. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યા તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. જેમાં તેમના પરિવારજનોએ સામાન્યત: થતા હ્યદય, ફેફસા અને કિડનીના અંગોના દાન માટે સમંતિ દર્શાવી હતી. સાથો સાથો પ્રથમ વખત એવું બન્યું કે અંગદાનમાં બંને હાથના દાન માટે પણ પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હોય.

નોંધનીય બાબત એ છે કે, બંને હાથોના દાન સ્વીકાર્યા બાદ કોઇ એક જ જરૂરિયાતમંદ વ્યક્તિમાં બંને હાથનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની રહી હતી. જ્યારે સમગ્ર દેશમાં સંભવિત વર્ષ 2015 માં પ્રથમ વખત બંને હાથનું દાન સ્વીકારીને પ્રત્યારોપણ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં ૫ કિસ્સામાં આ પ્રકારની સફળતા મળી છે. જ્યારે વિશ્વ સ્તરે આ પ્રકારના 110 કિસ્સા નોંધાયા છે.


આ પણ વાંચો :