રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 જાન્યુઆરી 2020 (13:29 IST)

ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર જારી: ભૂજમાં 9 ડિગ્રી, અમદાવાદમાં 13.5 ડિગ્રી

ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાના પવન ફૂંકાવવાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર જારી રહ્યો છે. 9 ડિગ્રી સાથે ભૂજ સતત બીજા દિવસે ઠંડુંગાર રહ્યું હતું જ્યારે નલિયામાં 9.2 ડિગ્રીએ ઠંડીનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી રવિવાર-સોમવાર એમ બે દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની ચેતાવણી જારી કરેલી છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાતા 13.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ, અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.9 ડિગ્રી ઘટીને 23.6 ડિગ્રી નોંધાતા દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 11 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસૃથાએ અમદાવાદમાં આગામી 10 દિવસ 12 ડિગ્રી સુધી ઠંડીનો પારો રહે તેની સંભાવના વ્યક્ત કરી છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાનો પવન  છે. સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી સુધી ઘટે તેની સંભાવના છે.  અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 11 ડિગ્રી સુધી જઇ ગગડી શકે છે. આગામી રવિવાર-સોમવાર દરમિયાન કચ્છ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટમાં કોલ્ડ વેવ રહી શકે છે. ' રાજ્યમાં અન્યત્ર કે જ્યાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું તેમાં ભૂજ ઉપરાંત નલિયા, રાજકોટ, ગાંધીનગર, ડીસા, અમરેલી, કેશોદ, વડોદરાનો સમાવેશ થાય છે.