ગુરુવાર, 4 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2023 (00:09 IST)

અમદાવાદના ધોળકામાં સુપ્રસિદ્ધ વૌઠાના મેળાનો પ્રારંભ, પશુધનનું વેચાણ સૌથી મોટું આકર્ષણ

Vauthana Mela
Vauthana Mela in Dholka
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે. સમય સાથે મેળાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાયું છે.ગુજરાતના આ સુપ્રસિદ્ધ વૌઠા લોક મેળાનો આજે તા.23 નવેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણએ કહ્યું હતું કે, લોકમેળાનું આપણા સમાજજીવનમાં અનેરું મહત્ત્વ રહેલું છે. ગુજરાતમાં 1600થી પણ વધુ નાના મોટા મેળાઓ થાય છે જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ વૌઠાનો લોકમેળો છે. આ મેળાનો સાંસ્કૃતિક વારસો પણ ખૂબ જૂનો છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, પહેલાના સમયમાં આવા મેળાનું આયોજન પંચાયત કરતી હતી. મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા. અનેક લોકો ધંધા રોજગાર માટે પણ આવતા હતા. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યવસ્થાના ભાગરૂપે મેળાની જવાબદારી સરકાર પોતે ઉપાડે તેવું અનેરું આયોજન કર્યું. જેથી લોકમેળા દરમિયાન પાયાની વ્યવસ્થાઓ ઊભી કરી શકાય અને મુલાકાતીઓને અગવડ ના પડે તેની ખાસ તકેદારી રાખી શકાય. 
Vauthana Mela
Vauthana Mela

આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વૌઠા ગામ એ સપ્ત નદીઓનું સંગમસ્થાન છે. અહીં લોકમેળા દરમિયાન સ્નાનનું આગવું મહત્ત્વ હોય છે. તેમણે કહ્યું કે, આ લોકમેળામાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આવીને આનંદ માણી શકે તે પ્રકારે વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વૌઠાના પ્રસિદ્ધ આ લોકમેળામાં લાખો લોકો આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે પ્રકારનું આયોજન કરાયું છે.

વૌઠાના મેળાની વિશેષતા એ છે કે, આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સતત પાંચ દિવસ સુધી સળંગ રાત-દિવસ ચાલુ રહે છે. જેમાં વિવિધ પ્રકારના મનોરંજન સ્ટોલો, ખાણી પીણીના બજાર, ખાદી ગ્રામોદ્યોગ જેવી સંસ્થાઓ, હસ્તકલા કારીગરીની વસ્તુઓનો વેપાર, સામાન્ય ચીજ - વસ્તુઓના સ્ટોલ પણ હોય છે. મેળાના વિશેષ આકર્ષણમાં પશુધનનો પણ વેપાર અહીં થાય છે. જેમાં ખાસ કરીને ગધેડા, ઊંટ, ઘોડાનો વેપાર થાય છે.