શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 જૂન 2021 (09:00 IST)

60 ટકા લોકોને રસી પછી સ્કૂલો ચાલુ કરવા વાલી મંડળની માંગ, બાળકોની રસી આવે પછી સ્કૂલો ચાલુ કરવી જોઈએ

કોરોનાના કેસ ઘટવા છતાં વાલી મંડળે સ્કૂલો ફિઝિકલી શરૂ ન કરવાની માગ કરી છે. વાલી મંડળે જણાવ્યું કે,જ્યાં સુધી રાજ્યમાં કોરોનાના કેસ નહિવત ન થાય અને 60 ટકાથી વધુ લોકોને વેક્સિન ન અપાય ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા જોખમી છે. તેથી સરકારે ઓનલાઇન એજ્યુકેશન કેવી રીતે બહેતર કરી શકાય તે વિશે વિચારવું જોઇએ, નહીં કે ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરવા વિચારવું જોઇએ.

ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહના જણાવ્યા અનુસાર, કોરોનાના કેસ ઘટતાં સ્કૂલોને ફિઝિકલી શરૂ કરવાની વિચારણા સરકાર કરી રહી છે. પરંતુ અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જ્યાં સુધી રાજ્યમાં વેક્સિનેશન પૂરેપૂરું ન પતે અને બાળકોની રસી ન આવે ત્યાં સુધી સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરવી ન જોઇએ. કારણ કે કોરોના બાળકોમાં ફેલાશે તો તેના પરિણામ પરિવારે ભોગવવા પડશે. હાલમાં સરકારે ઓનલાઇન એજ્યુકેશનને કેવી રીતે વધુ સારું બનાવી શકાય તેના પર કામ કરવું જોઇએ. ઉપરાંત જે વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી તેવા વિસ્તારના બાળકોને અભ્યાસની સુવિધા વિકસાવવાની પ્રક્રિયા કરવી જોઇએ.અગાઉ જ્યારે ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.