ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2020 (12:10 IST)

ગુજરાતમાં ત્રણ નવા કેસ સાથે સાથે કુલ સંખ્યા 5807, અત્યાર સુધી કુલ 319નાં મોત

જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત ગોંડલમાં એક અને ભાવનગરમાં એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5807 થઇ છે. તેમજ 1195 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.  સોમવારે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ મળ્યા. આ સતત છઠ્ઠી વાર બન્યું છે કે 300થી વધુ કેસ આવ્યા છે.
બીજીબાજુ સોમવારે જ 29 મોત પણ નોંધાયા. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 319 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. છેલ્લા 100 કલાકમાં જ રાજ્યમાં 100 લોકોના મોત થઈ ચૂક્યા છે. 29માંથી 26 મોત માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અહીં કેસોની સંખ્યા 4000ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા 234 પર પહોંચી છે.
દીવમાં ગઇકાલથી જ દારૂની દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ લિકર શોપ પર લાંબી લાઈનો લાગી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો દારૂ લેવા ઉભા છે. જીવન જરૂરી વસ્તુઓની જેમ જ લાંબી લાઈનો લગાવી પોલીસની હાજરીમાં દારૂનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં કોરોનાને ચેપને વધતો અટકાવવા માટે સેક્ટર 5ના વસાહત મંડળ દ્વારા સેક્ટરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કર્યા છે. માત્ર  સીએનજી પંપવાળો માર્ગ અવર-જવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. સવારે દૂધ કેન્દ્રો પર ફરજિયાત માસ્ક પહેરીને દૂધ લેવા જવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા જણાવાયું છે.  
24 એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા.4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો. 10 દિવસમાં 192 મોત થયા. સરેરાશ રોજના 19 મોત. છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239 ટકાનો વધારો નોંધાયો છે જે મુંબઈથી વધુ છે. 24 એપ્રિલ પછી પોઝિટિવ કેસમાં 189%નો વધારો થયો. 24 એપ્રિલે ગુજરાતમાં 2815 કેસ હતા. 4 મેએ 5804 થયા. 2989 કેસ વધ્યા. ડબલિંગ રેટ પણ 10 દિવસમાં 9.5નો થયો છે.    
સરકાર દ્વારા જાહેર ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ નવા કેસ મળતાં સનસનાટી ફેલાઈ છે. જામનગર ગ્રીન ઝોન જાહેર થઈ ચૂક્યું છે પણ સોમવારે અહીં 3 નવા કેસ મળ્યા. આ પ્રકારે દાહોદ ઓરેન્જ ઝોનમાં છે. અહીં 6 નવા કેસ મળ્યા. રાજકોટ પણ ઓરેન્જ ઝોનમાં છે અને અહીં 3 નવા કેસ મળ્યા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવાની અનુમતિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે તેમને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.
જ્યારે તે પોતાના વતન પહોંચશે ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે. તેમજ વતનમાં પ્રવેશ મેળવ્યા બાદ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે. 14 દિવસના ક્વૉરન્ટીન ફરજીયાત છે અને ત્યારબાદ એક મહિનો પણ ત્યાં જ રહેવું પડશે. તેમને પાછા આવવાની પરવાનગી અપાશે નહીં.
19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત છઠ્ઠા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ દર્દી નોંધાયા છે.