બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (11:28 IST)

CoronaVirus-ઉત્તર ગુજરાતમાંથી કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસોના રીપોર્ટ પૂણેની લેબમાં મોકલાયા

ચીનમાં પ્રસરેલા કોરોના વાઈરસને કારણે ગત 13 જાન્યુઆરીએ વતન પરત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિનીને સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં સિવિલમાં બનાવેલા આઇસોલેશન વોર્ડમાં ખસેડાઇ હતી. અહીં તેનો રિપોર્ટ કરાવી પૂણે લેબમાં મોકલી આપ્યો હતો. તો સાબરકાંઠાના બે વિદ્યાર્થી સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતાં તેમને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. દરમિયાન સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાના 42 અને સાબરકાંઠા જિલ્લાના 5 છાત્રોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સોનીએ કહ્યું કે, રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કહી શકાય. હાલ યુવતી આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં છે. હાલ મેડિકલ અને પેરામેડિકલ ટીમ ચીનથી આવેલા તમામ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. સ્ટેટ મેડિકલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સૂત્રોએ કહ્યું કે, ગુજરાતમાં ચીનથી પરત આવેલા મુસાફરોનું જે-તે જિલ્લામાં મેડિકલ ચેકઅપ કરાયું છે. અત્યાર સુધીમાં 514 મુસાફરોનું ચેકઅપ થયું છે, જેમાં કોઇને તકલીફ જણાઇ નથી. સોમવારે બનાસકાંઠામાં 42, સાબરકાઠામાં 5 સહિત રાજ્યના 217 મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારથી અહીં રહેતા છાત્રો, વેપારીઓ, કંપનીઓમાં જોબ કરતાં કર્મચારીઓ વગેરે ભારત પરત આવી રહ્યા છે. જેને લઇ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચીનથી પરત આવતા મુસાફરોનું પ્રત્યેક જિલ્લામાં મેડિકલ ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરાઇ રહ્યું છે.