શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (13:22 IST)

અમદાવાદમાં રિવરફ્રન્ટ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને દેશી બનાવટના ચાર બોમ્બ સાથે ઝડપી પાડ્યો

અમદાવાદમાં રથયાત્રાની પર્વ તૈયારી પહેલાં જ બોમ્બ મળવાની ઘટના બની છે. શહેરમાં રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવક દેશી બનાવટના ચાર જેટલા દેશી બોમ્બ લઈને પસાર થતો હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે આ શખ્સને ઝડપી પાડીને તેની પાસેથી તંબાકુના ડબ્બામાં રહેલા ચાર બોમ્બ કબજે કર્યાં હતાં અને વધુ કાર્યવાહી હાથ ધરીને પુછપરછ શરુ કરી છે. બોમ્બ ઝડપાવાથી વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દાણિલિમડા તરફના રીવરફ્રન્ટની ફૂટપાથ પર આજે સવારે જાવેદ ઉર્ફે બાબા બ્લોચ નામનો શખ્સ દેશી બનાવટના ચાર બોમ્બ લઈને પસાર થઈ રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને આ અંગેની બાતમી મળતાં તરત જ તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. વાદળી ટી શર્ટ અને વાદળી જીન્સ પહેરીને પસાર થઈ રહેલા આ શખ્શને ક્રાઈમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને દેશી બોમ્બ નંગ 4 તથા ધારદાર છરો એક નંગ મળી આવ્યો હતો. ત્યાર બાદ તુરંત બોમ્બ ડીસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવીને બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  બોમ્બ સાથે ઝડપાયેલા શખ્સની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પોતાના પૈસા લેનાર વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પોતે આ બોમ્બ બનાવ્યા હતાં.હાલમાં તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં આ ઘટનામાં આરોપીની ઈચ્છાઓ શું હતી? 4 દેશી બોમ્બ સાથે તેઓ શહેરમાં શું કરવાનો હતો? આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે ઝડપાયેલા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.આ આરોપી અગાઉ આઠ વર્ષ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં પકડાયેલો છે.