શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (14:06 IST)

અમદાવાદની મહિલાએ સવારમાં ભગવાનની પૂજા કરતાં ઘંટડી વગાડી, પતિ અને પુત્રએ ઉશ્કેરાઈને માર માર્યો, દિકરીએ બિભત્સ ગાળો બોલી

જીવનમાં એક માંનું સ્થાન શું હોય એ સૌ જાણે છે. સમાજમાં એવા કિસ્સાઓ બહાર આવતા હોય છે જેમાં કળિયુગની પરાકાષ્ટા જોવા મળતી હોય છે. અમદાવાદમાં ભગવાનની પૂજા કરનાર એક માતાને પોતાના જ પતિ અને પુત્રએ માર માર્યો હતો. જ્યારે કાળજાનો કટકો અને લાડકવાયી તરીકે જાણિતી દિકરીએ જ પોતાની જનેતાને બિભત્સ શબ્દો બોલ્યા હતાં. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ઈસનપુર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઈસનપુરમાં પરિવાર સાથે રહેતી 45 વર્ષિય મહિલા સવારે ઉઠીને ભગવાનની પુજા કરતી હતી. પૂજા કરતી વેળાએ તેણે આરતી ઉતારતા ઘંટડી વગાડી હતી. ત્યારે તેનો પતિ અચાનક આવેશમાં આવી ગયો હતો અને પત્નીને ઘંટડી નહીં વગાડવા જણાવ્યું હતું. આ દરમિયાન પારિવારિક ઝગડાનો મુદ્દે ઉછળ્યો હતો. સતત બે દિવસથી થઈ રહેલા ઝગડાને કારણે પરિવારનો માહોલ બદલાઈ ગયો હતો.ફરિયાદી મહિલા રસોઈ બનાવવાનું કામ કરે છે. તેને સંતાનોમાં 25 વર્ષનો દિકરો અને 24 વર્ષની દિકરી છે.

10 જૂનના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ ઘરમાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ પત્નીને બેફામ માર માર્યો હતો. માર મારતા પતિએ કહ્યું હતું કે ઘરમાં ઘંટડી નહીં વગાડવાની. મહિલાએ ગુસ્સો નહીં કરવાનું કહેતાં જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પત્નીને કહ્યું હતું કે મારી સામે કોર્ટમાં ભરણ પોષણનો તથા ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે તે પરત ખેંચી લે. મહિલાએ આ કેસ પાછો નહીં ખેંચવા જણાવ્યું હતું. આ દરમિયાન મહિલાનો દિકરો જામનગર ખાતેથી આવી પહોંચ્યો હતો. તેણે પોતાની બહેને પિતાનો પક્ષ લઈને સગી જનેતાને ગાળો બોલી હતી. બાદમાં બીજા દિવસે મહિલાના પતિએ બીજા દિવસે કેસ પાછો ખેંચવા જણાવ્યું હતુ અને બિભત્સ ગાળો બોલી હતી. બાદમાં મહિલાને પોતાના જ પુત્રએ લાફો માર્યો હતો. પતિએ પણ સાથળના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલાએ ઘરની બહાર નીકળીને પોલીસને ફોન કર્યો હતો. ઈસનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાના પતિ, પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે