1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (17:02 IST)

ઘોડાસરના જમીન દલાલનું પાંચ શખસોએ અપહરણ કરી રૂ. 1 કરોડની ખંડણી માગી, 36 તોલાનો સોનાનો દોરો પડાવી લીધો

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા જમીન દલાલનું પાંચ શખ્સોએ અપહરણ કરી રૂ.એક કરોડની ખંડણીની માંગ કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઇ છે. આરોપીઓએ જમીન દલાલને ગત્રાડ ગામ નજીક લઇ જઇ માર મારી કેનાલમાં ફેંકવાની ધમકી આપી 36 તોલાનો રૂ. 14 લાખનો સોનાનો દોરો પડાવી લીધો હતો. બાકીના 70 લાખનો સોદો તેના મિત્ર થકી કરાવી અને બાદમાં તેને છોડી ફરાર થઇ ગયા હતા. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘોડાસર વિસ્તારમાં રહેતા કરણ ભટ્ટ છેલ્લા 15 વર્ષથી જમીન લે વેચની દલાલી કરે છે. બે દિવસ પહેલા રાતે નવ વાગ્યે કરણને જશોદાનગર ચાર રસ્તા પાસે કેડિલાબ્રિજ પર મહેશ સોમાભાઇ રબારી નામના શખ્સે હાથથી ઇશારો કરી ઉભો રાખ્યો હતો. એક કાર પાછળ મરૂન કલરની એક બ્રેઝા કાર પણ ઉભી હતી. જેમાં બે શખ્સો સવાર હતા. મહેશ રબારીએ બળજબરી કરી કરણ ભટ્ટને ગાડીમાં બેસાડી વસ્ત્રાલ ખાતે નૈયા કોમ્પ્લેક્સના બેસમેન્ટમાં લઇ ગયા હતા. જ્યાં એક કરોડ ખંડણીની માંગ કરી હતી.
મહેશ રબારીએ ધમકી આપતા કહ્યું હતું કે, તું દલાલીમાં બહુ પૈસા કમાયો છે જેથી તારે અમને એક કરોડ ખંડણી પેટે આપવા પડશે. જો નહીં આપે તો ગોળી મારી દઇશ જો કે પીડિત મહેશ ભટ્ટે પૈસા આપાવનું ના કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા અને માર મારવા લાગ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ હત્યા કરવાની ધમકી આપી ગત્રાડ ગામે લઇ જઇ કેનાલમાં ફેંકવાની ધમકી આપી હતી. આરોપીઓએ કરણ પાસે ફોન કરાવીને તેના ભાઇ જોડે 36 તોલા સોનાનો દોરો મંગાવી લઈ લીધો હતો.
પૈસા માટે વધુ દબાણ કરતા મિત્ર રવી રામીને ફોન કરી બોલાવ્યો હતો. રવિએ પૈસા આપવાનું કહ્યા બાદ મોડી રાતે છોડી મૂક્યા હતા. બાદમાં આરોપીઓ પીડિત કરણ ભટ્ટ અને તેના મિત્ર રવિ રામીને ફોન કરી પૈસાની માંગણી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ભાઇપુરા ખોખરાના રહેવાસીઓ મહેશ સોમા ભાઇ રબારી, ફુલો મોતી રબારી, નાગજી રત્ના રબારી, અલ્પેશ હીરવાણી તેમજ કરણ મરાઠી વિરૂધ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.