ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: શુક્રવાર, 16 જૂન 2023 (13:09 IST)

Ground Report - બિપરજોય વાવાઝોડાએ વેરેલી તબાહી બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હાલ શું સ્થિતિ છે

biporjoy
biporjoy
ગુજરાતમાં ગઈકાલે જખૌ કાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાયુ હતું અને લેન્ડફોલ થયું હતું. ત્યાર બાદ ભારે પવન અને વરસાદના કારણે અનેક ઝાડ, વીજપોલ પડી ગયાં હતાં. મકાન અને દુકાનોના છાપરા પણ ઉડી ગયા હતાં. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.ચક્રવાતને કારણે સર્જાયેલા જોખમને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 94 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. 15 જહાજો, 7 એરક્રાફ્ટ, NDRFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ક્યાંક વૃક્ષો પડી રહ્યાં છે તો ક્યાંક વીજ થાંભલાઓ પડી ગયા છે.

ચક્રવાતી તોફાન બિપરજોય નજીક આવતા જ તોફાની પવનોએ તબાહી મચાવી દીધી હતી. એક તરફ ગુજરાતમાં લેન્ડફોલ દરમિયાન નુકસાનની આશંકાએ વહીવટીતંત્ર અને લોકોની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ બિપરજોયની 'આફ્ટર ઈફેક્ટ'ને લઈને તણાવ છે.મધરાતે કચ્છના બંદર પર તો વિશાળ વહાણ પણ પલટી ગયું હતું. વાવાઝોડાને પગલે કચ્છમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માંડવી અને લખપતમાં અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કમરસુધી પાણી ભરાઇ જતાં લોકો ઘરોમાં ફસાઇ ગયા છે. NDRFની ટીમ ફસાયેલા લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે મોકલી રહી છે.
ground report after biporjoy
ground report after biporjoy

ભુજ શહેરમાં ઠેર ઠેર વીજપોલ અને સંખ્યાબંધ વૃક્ષો પણ જળમુળથી ઉખડી ગયા છે. તો બીજી તરફ જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતાં પી.એસ.ઓ અનિલ જોષીનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થતાં પોલીસબેઠામાં શોક વ્યાપ્યો છે. જામનગર જિલ્લામાં બિપરજોય વવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે વીજ વિક્ષેપ ઊભો થયો છે. તે પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો એક્શન મોડમાં છે.
ground report after biporjoy
ground report after biporjoy

હાલ જામનગર જિલ્લામાં પીજીવીસીએલની 119 ટીમો કાર્યરત છે. ભારે પવનના પરિણામે જિલ્લામાં 958 ફિડરો, 1255 વીજપોલ અને 40 ટીસી ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાંથી તાત્કાલિક ધોરણે 414 ફિડરો, 221 વીજપોલ અને એક ટીસી કાર્યરત કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના 367 ગામડાઓમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો છે. જ્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે 226 ગામડાઓમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવી છે.કચ્છમાં માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ છે, જેને લઇને લોકોની ઉપાધિમાં વધારો થયો છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં પણ મોડીરાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે બે વાગ્યા પછી શરૂ થયેલા આ વરસાદથી શહેરના વેસ્ટઝોન ખાતે 2 ઇંચથી વધુ પાણી પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ વરસાદને પગલે ખુદ કલેક્ટર સહિતના અધિકારીઓ રાતભર ફિલ્ડમાં રહ્યા હતા અને ઓવરનાઈટ ડ્યૂટી બજાવી હતી.

અમરેલીમાં ગીર પૂર્વની જસાધાર રેન્જમાં ચાલુ વરસાદમાં વનવિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ઘરીને ગઈ કાલે સાંજે સિંહ પરિવાર સાથે 2 સિંહબાળ વિખુટા પડી કૂવામા ખાબકયા હતા. બંને સિંહબાળને કુવા માંથી બહાર કાઢી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.સારવાર બાદ તુરંત સિંહબાળને તેમની માતા પરિવાર સાથે મિલન કરાવવા મુક્ત કર્યા હતાં.

અમરેલીના જાફરાબાદમાં પવન સાથે ઘોઘમાર વરસાદ ખાબકયો હતો.જાફરાબાદના લાઈટ હાઉસ નજીક આવેલ દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતાં. રાજુલા તાલુકાના મોરંગી ગામ વાવાઝોડામાં પ્રભાવિત થયું છે. ગામમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો જેના લીધે 20 ઉપરાંતના મકાનોમાં તારાજી સર્જાઈ હતી. મકાનોના નળિયા ઉડી ગયા હતાં અને દીવાલો ધરાશાયી થતાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી.