બિપરજોય વાવાઝોડાની ગતિમાં ઘટાડોઃ વાવાઝોડું રાત્રે 9 થી10 વાગ્યા સુધી ટકરાઈ શકે
ગુજરાતના આઠ જિલ્લાઓમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ
પવનની ગતિ 115-125 kmph રહેવાની સંભાવના: અત્યાર સુધીમાં 400 વૃક્ષો ધરાશાયી થયાં
ગાંધીનગરઃ ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9થી10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાની માત્ર ગતિ ઘટી છે પરંતુ સંકટ હજુ ટળ્યું ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી તકેદારી રાખવામાં આવી રહી છે.
94 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયુ
રાહત કમિશનરે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 4864, કચ્છમાં 46823, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 મળી કુલ 94427 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે. સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા આ 8 જિલ્લાના 55 તાલુકાઓમાં ગત ત્રણ દિવસ દરમિયાન કુલ 2248 એમ.એમ વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મોબાઇલ ઓપરેટર્સ ઇન્ટ્રાસર્કલ રોમિંગની સુવિધા સાથે સજ્જ
તેમણે ઉમેર્યું કે, સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાયા બાદ 16 જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પરિણામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા છે. સંભવિત વાવાઝોડાના પરિણામે જનજીવન ઉપરાંત વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા 180 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાની 400 ઘટનાઓ નોંધાઈ છે, તે તમામ વૃક્ષોને હટાવીને રસ્તાઓને ચાલુ કરી દેવામાં આવ્યા છે. રાહત કમિશનરે કહ્યું કે, સંભવિત વાવાઝોડાને પરિણામે સંદેશા વ્યવહારને અસર ન પડે તે માટે મોબાઇલ ઓપરેટર્સ ઇન્ટ્રાસર્કલ રોમિંગની સુવિધા સાથે સજ્જ છે.